Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાટણમાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ

સિધ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર સહિતના તાલુકાઓમાં ભાદરવે અષાઢી માહોલ

પાટણ તા. ર૮: પાટણમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા અને ગડગડાટ વચ્ચે જાણે આભ ફાડયું હોય તેમ જોરદાર વરસાદ તુટી પડયો હતો સવારે ચારથી ૮ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં પાટણમાં ૬ ઇંચ વરસાદ ખાબકયો હતો જેના કારણે પાટણના નિચાણવાળા વિસ્તારો રેલ્વે અંડરપાસ ગરનાળા બસ સ્ટેન્ડ શ્રમજીવી સોસાયઇટી, કર્મભુમીથી લીલી વાડીને જોડતો હાઇવે રોડ સુધી પાણી ફરી વળ્યા હતા. વહેલી પરોઢે પડેલા અનરાધાર વરસાદને કારણે સમગ્ર શહેર તેમજ પંથકમાં જનજીવન ખોરવાઇ જવા પામ્યું હતું.

સવારે આઠ વાગ્યા સુધીમાં પાટણમાં ૧પ૦ મી.મી., ૬ ઇંચ વરસાદ, સિધ્ધપુરમાં આઠ વાગ્યા સુધીમાં ૬૬ મી.મી., અઢી ઇંચ, સરસ્વતી તાલુકામાં આઠ વાગ્યામાં પ૦ મી.મી. બે ઇંચ વરસાદ, હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર અને ચાણસ્માં વિસ્તારમાં એક ઇંચ વરસાદ થોવા પામ્યો છે.સતત ચાલુ રહેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે.

જયારે આ વરસાદે શીયાળુ પાક ભરપુર થવાના એંધાણ વર્તાતા ખેડુતોમાં ખુશાલીની લેર વ્યાપી જવા પામી છે.સતત મેઘ મહેર છવાતા પીવાના અને સિંચાઇના પાણીનો પ્રશ્ના દુર થયો છે. (૭.૪૦)

(3:41 pm IST)