Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આવતા ૪ દિવસ હળવાથી અતિભારે વરસાદની સંભાવના : તા.૨ ઓકટોબરથી મેઘરાજા વિરામ લેશે

રાજયના અલગ અલગ વિસ્તારોમાં ૨ થી ૮ ઈંચ તો અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધુ ખાબકશે

રાજકોટ : બેથી ત્રણ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર સક્રિય છે. જેની અસરથી મેઘો ફરી મંડાયો છે. હજુ આગામી ત્રણથી ચાર દિવસ કોઇ-કોઇ વિસ્તારમાં ખાબકશે.  હળવાથી મધ્યમ અને કોઇ-કોઇ જગ્યાએ ભારે વરસાદ પડશે. તેમ એક વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે. એક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી. સુધીનું સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત લાગુ અરબી સમુદ્ર વિસ્તાર ઉપર છવાયેલ છે. આવતીકાલે સૌરાષ્ટ્રને લાગુ વિસ્તાર નજીક લો પ્રેશરના સ્વરૂપે છવાય તેવી શકયતા છે જે ૪૮ કલાકમાં વધુ મજબૂત બને તેવી શકયતા છે. એક સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પશ્ચિમ ઉત્તરપ્રદેશ પર લાગુ વિસ્તાર ઉપર દરિયાની સપાટીથી ૧.૫ કિ.મી.થી ૩.૧ કિ.મી.ની ઉંચાઈ પર છવાયેલ છે. એક સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પાકિસ્તાન લાગુ પશ્ચિમ રાજસ્થાન વિસ્તાર પર દરિયાની સપાટીથી ૦.૯ કિ.મી.ની ઉંચાઈ ઉપર છવાયેલ છે.

જયારે જમ્મુ કાશ્મીર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલ છે તેને આનુસાંગિક એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી. ઉપર છવાયેલ છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ૨.૧ કિ.મી.ના લેવલે છવાયેલ છે જે આગળ વધશે અને વધુ મજબૂત બનશે.

ઉપરોકત અલગ અલગ પરિબળોની અસર રૂપે રાજયભરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ, ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. સિસ્ટમ્સ આવતા વિસ્તારોમાં વરસાદનુ પ્રમાણ વધુ રહેશે. રાજયના વિસ્તારોમાં ૨ થી ૮ ઈંચ સુધી વરસાદ પડવાની શકયતા છે. અમુક વિસ્તારોમાં તો તેનાથી પણ વધુ વરસાદની શકયતા છે. તા.૨ ઓકટોબરથી વરસાદ વિરામ લેશે.

(11:08 am IST)