Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

તાવ, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી નીકળવુ જેવા લક્ષણોને માત્ર શરદી ગણીને સારવાર ન કરોઃ ગુજરાતમાં સ્‍વાઇન ફ્લુના વધતા કેસને લીધે રાજ્ય સરકારનો તબીબોને આદેશ

અમદાવાદ- રાજ્યમાં સ્વાઈન ફ્લુના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રાઈવેટ જનરલ પ્રેક્ટિશનર્સને વોર્નિંગ આપી છે કે તાવ, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી નીકળવું જેવા લક્ષણોને માત્ર શરદી ગણીને સારવાર ન કરે. બુધવારના રોજ રાજ્યમાં સ્વાઈન ફ્લુના 40 કેસ નોંધાયા હતા અને એકનું મોત થયુ હતુ.

બુધવારના રોજ અમદાવાદ શહેરમાં 17, વડોદરામાં ચાર અને સુરતમાં બે કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં 448 લોકોને H1N1 વાઈરસની અસર થઈ હતી અને11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના HOD કમલેશ ઉપાદ્યાય જણાવે છે કે, આ સીઝનમાં સામાન્ય ડોક્ટર્સ આવા લક્ષણોની અવગણના કરે છે અને દર્દીને શરદી-તાવની દવા આપી દે છે. સ્વાઈન ફ્લુના કેસમાં તેની યોગ્ય દવા કરવામાં આવે તો જ એન્ટી-વાયરલ કામ કરે છે. વૃદ્ધો, ડાયાબિટિસના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, પાંચથી 15 વર્ષની ઉંમરના બાળકોને ખાસ ધ્યાન રાખવાની જરુર છે, કારણકે તેમનામાં આ બીમારી થવાની શક્યતા સૌથી વધારે છે.

જામનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં 141 સ્વાઈન ફ્લુના દર્દીનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાંથી 115 દર્દીઓના જીવ બચી ગયા છે, કારણકે લક્ષણો દેખાયા તેના શરુઆતના 48 કલાકમાં જ તેમને oseltmivir(એન્ટીવાયરલ) આપવામાં આવ્યુ હતુ. જે લોકો 48 કલાક પછી આવ્યા હતા તેમના શરીરમાં આ એન્ટીવાયરલ દવા ઓછી અસર કરે છે. અભ્યાસ અનુસાર, 23 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, અને 3 દર્દીઓ ભારે પીડા પછી જિંદગી સામેની જંગ જીત્યા.

મેડિકલ કોલેજના એનાલિસિસમાં જે દર્દીઓને શામેલ કરવામાં આવ્યા તેમાંથી 15.6 ટકા ડાયાબિટિસના દર્દી હતા, 17 દર્દીઓ હાયપરટેન્શનના દર્દી હતા, 34 હૃદયરોગથી પીડાતા હતા અને સાત ગર્ભવતી મહિલાઓ હતી. અભ્યાસ અનુસાર H1N1ના સામાન્ય લક્ષણો છે કફ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં દુ:ખાવો અને નાક વહેવું.

(5:36 pm IST)