Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સ્થગિત કરવાની સંચાલકોની રજૂઆત છતાં એકમ કસોટી લેવા સરકાર મક્કમ

એકમ કસોટી કોઇ ઔપચારિક પરીક્ષા નથી : શિક્ષણ વિભાગ: આચાર્યોને વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રની હાર્ડ અથવા સોફ્ટ કોપી પહોંચાડવાની તાકીદ

અમદાવાદઃ કોવિડ 19માં હાલ શાળાનાં વિદ્યાર્થીઓને ઓનલાઇન/ લર્નીંગ હોમ દ્રારા અપાઈ રહયું છે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં ટીવી, મોબાઇલ કે તેના નેટવર્કની સમસ્યાનાં કારણે ઘણાં વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શકતા નથી. ઉપરાંત આ પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા માટે પ્રવાસી શિક્ષકોની સંખ્યા પણ ઓછી છે. જેથી એકમ કસોટી સ્થગિત રાખવાની ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જો કે સરકારે મહામંડળની રજૂઆતની બાદબાકી કરીને એકમ કસોટી લેવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો.

એટલે સુધી કે આ અંગે કેટલીક સૂચનાઓ પણ જારી કરી છે. તેમાં આચાર્યોને વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રની હાર્ડ અથવા સોફ્ટ કોપી પહોંચાડવાની તાકીદ કરી છે. તે જ રીતે ઉત્તરોની કોપી શાળાએ પહોંચાડવા વિદ્યાર્થીઓને સૂચના જારી કરી છે.

રાજ્યનાં શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોવિડ 2019 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ શિક્ષણ ચાલુ રહે. અભ્યાસમાં સાતત્ય જળવાય તે માટે રાજયના શિક્ષણ વિભાગ દ્રારો હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો કર્યા છે. ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો જોઇ શકાય છે.

સતત મૂલ્યાંકન એ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો ભાગ છે. જેના આધારે વિદ્યાર્થીની કયાસ જાણીને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થઇ શકે છે. આ એકમ કસોટી કોઇ ઔપચારિક પરીક્ષા નથી. પરંતુ મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષક ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોની કયાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. જેથી આ કસોટી લેવામાં આવે છે.

– જિલ્લા શિક્ષણાધિકારીને તા. 24મી સુધીમાં ઇમેઇલ એડ્રેસ પર એકમ કસોટીના પ્રશ્નપત્ર મોકલ્યાં છે. આચાર્યોએ વિદ્યાર્થીઓ સુધી સોફ્ટ અથવા હાર્ડ કોપી પહોંચાડવાની રહેશે. આ ઉપરાંત વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી પ્રશ્નપત્રો મળી રહે તે માટે બોર્ડની વેબસાઇટ પર મૂક્યા છે.

– વિદ્યાર્થીઓ સંબંધિત બંને વિષયની એકમ કસોટીના ઉત્તરો 10મી ઓગસ્ટ સુધીમાં પોતાની અનુકુળતાએ અલગથી બનાવેલી નોટબકમાં સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે.

– વિદ્યાર્થીઓ જે નોટબુકમાં ઉત્તરો લખ્યા હોય તેની સોફ્ટ અથવા હાર્ડ કોપી 10મી ઓગસ્ટ સુધીમાં શાળાના આચાર્યોને પહોંચાડી દે. જે વિદ્યાર્થી/વાલી આવી શકે તેમ નથી તેમણે સોફ્ટ કોપી મોકલવાની રહેશે.

– આચાર્યોએ પ્રશ્નપત્રોના ઉત્તરો શક્ય હોય ત્યાં સુધી સોફ્ટ કોપીમાં મેળવવા અન્યથા હાર્ડ કોપીમાં નોટબુક મેળવતી વખતે કોવીડ 19ની પરિસ્થિતિ લક્ષમાં લઇ આયોજન કરે.

– ઉત્તરવહી નોટબુક મેળવવા માટે સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય રહે તે રીતે વાલીઓને પ્રમાણસર સંખ્યામાં તબક્કાવાર શાળામાં આવવા અનુમતિ આપવી તેમ જ નોટબુક સ્વીકારવા માટે શાળામાં એક બોક્સ રાખવું. તે નોટબુક શાળામાં ત્રણ દિવસ સુધી મૂકી રાખવી. ત્યારબાદ જ શિક્ષકો પાસે મૂલ્યાંકન કરાવવું.

(10:44 pm IST)