Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મોબાઈલની દુકાનમાં દુકાનદારને “તારું મર્ડર કરવા આવ્યો છું”એમ કહીને લૂંટ કરનાર અસ્ફાક ઝડપાયો

ગ્રાહકના સ્વાંગમાં ગયેલા શખ્સે શટર બંધ કરી ચાકુ બતાવી દુકાનમાં લૂંટ કરી

અમદાવાદ: ગુરૂકુળ રોડ પર મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી દુકાનનું શટર બંધ કરી લૂંટ કરનાર આરોપીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધો છે. દુકાનદારને “તારું મર્ડર કરવા આવ્યો છું”. તેમ કહી ચાકુ બતાવી મોબાઈલ ફોનોની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘાટલોડિયા પોલીસે લૂંટની આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ક્રાઇમબ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સાંજે 4.45 વાગ્યે ઝડપી લીધો છે. દાણીલીમડાના શેખાવટી પ્લાઝામાં રહેતાં અસ્ફાક ઉર્ફ દિના કાળુભાઇ મેમણ નામના 28 વર્ષીય યુવકને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટના રૂ.70 હજારના 5 મોબાઈલ ફોન અને ચોરીનું બાઇક રૂ.40 હજારનું કબ્જે લીધું હતું.

બનાવની વિગત મુજબ ગુરૂકુળ રોડ પર આવેલી મોબાઈલ દુકાનમાં આરોપી અસ્ફાક ગ્રાહકના સ્વાંગમાં ફોન ખરીદવા માટે ગયો હતો. રૂ.15 હજાર સુધીની કિંમતના ફોન બતાવવાનું કહી આરોપીએ વાતચીત કરી હતી. દરમિયાનમાં દુકાનદાર એકલો હોવાનું જાણી ગયેલા આરોપીએ દુકાનનું શટર પાડી વેપારીને ચાકુ બતાવ્યું હતું. તારું મર્ડર કરવા આવ્યો છું.તેમ કહી આરોપી 5 મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ક્રાઇમબ્રાન્ચે આરોપી અસફકને ઝડપી લીધો હતો.

અસ્ફાક મેમણ ગુણાઈત ભૂતકાળ ધરાવે છે. તે અગાઉ રામોલ, ઈસનપુર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. આરોપી પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.

(10:27 pm IST)