Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઠાસરા તાલુકાના સીમલજ ગામમાં ઘરમાં સંતાડેલ દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે બે ભાઈઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ઠાસરા:તાલુકાના સીમલજ ગામમાં આવેલ ભાથીજીવાળા ફળીયામાં રહેતાં કિરણભાઈ રમેશભાઈ તળપદા અને મહેશભાઈ રમેશભાઈ તળપદા નામના બે સગાં ભાઈઓ દેશી-વિદેશી દારૂનો જથ્થો ઘરમાં સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતાં હોવાની ડાકોર પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ મોડી સાંજના સમયે કિરણ-મહેશના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી તે વખતે ઘરે કોઈ હાજર ન હતું. જો કે પોલીસને મળેલી માહિતી ચોક્કસ હોઈ પોલીસની ટીમે ઘરની તલાશી લીધી હતી. દરમિયાન એક ખુણામાં પડેલાં કોથળામાંથી ૧૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘર બહાર પાર્ક કરેલા એક્ટિવા નં. જીજે-૨૩, એક્યુ-૨૧૧૧ના આગળના ભાગે મુકેલા કોથળામાંથી તેમજ ડિકીમાંથી વિદેશી દારૂ/બિયરની ૭૪ નંગ બોટલો/ટીન મળી આવ્યાં હતાં.

પોલીસે દેશી દારૂ કિંમત રૂ.૩૦૦, બિયર સહિત વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.૭૪૦૦ તેમજ એક્ટિવા કિંમત રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૨૭,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને દેશી-વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રાખનાર કિરણભાઈ રમેશભાઈ તળપદા તેમજ મહેશભાઈ રમેશભાઈ તળપદા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે

(6:12 pm IST)