Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સુરતના વરાછા અંકુર ચાર રસ્તા નજીક ક્રેઈનની મદદથી ભેજાબાજોએ ત્રીજા માળેથી 5 લાખના એમ્બ્રોડરીના મશીન ઉતારી છૂમંતર.....

સુરત: શહેરના વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના કારખાનાની દિવાલ તોડી 7 થી 8 વ્યક્તિ આજે મળસ્કે ક્રેઈનની મદદથી રૂ.5 લાખની કિંમતના બે એમ્બ્રોઇડરી મશીન ઉતારી ટેમ્પોમાં મૂકી ચોરી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકના એક કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા ધરમનગર રોડ શારદાવિહાર સોસાયટીમાં રહેતા જનકભાઈ વિટ્ઠલભાઈ વેકરીયાએ ગત જાન્યુઆરી માસમાં એમ્બ્રોઇડરીના બે જુના મશીન ખરીદી વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલા ભાજીવાલા એસ્ટેટ ખાતા નં.16 ના ત્રીજા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. જોકે, કોરોનાને લીધે ગત 22 માર્ચના રોજ લોકડાઉન જાહેર થતા તે કારખાનું બંધ કરી વતન ચાલ્યા ગયા હતા. દરમિયાન, આજે સવારે 8 વાગ્યે તેમના કારખાનાની નીચે કારખાનું ધરાવતા મામા મનોજભાઈએ જનકભાઈને ફોન કરી પૂછ્યું હતું કે તમે ખાતું ફેરવેલ છે? કારખાનાની દિવાલ તૂટેલી દેખાય છે અને અંદર મશીનો નથી. આથી જનકભાઈએ તરત તેમના બનેવી શૈલેષભાઇ મનસુખભાઇ હીરાણી ( રહે.802, ક્રિષ્ણા રેસીડન્સી, કતારગામ, સુરત ) ને ફોન કરી કારખાને જઈ તપાસ કરવા કહ્યું હતું.

(6:09 pm IST)