Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ સ્‍કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્‍પ્રેડર બન્‍યાઃ એક સાથે 16 શિક્ષકોના રિપોર્ટ પોઝીટીવ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર બન્યા છે. એક જ દિવસમાં 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 70 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ શિક્ષકોના મોત નિપજ્યા છે.

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. ત્યારે આ વધતા કેસને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને કોરોના વાયરસના સંકટ વચ્ચે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપાઇ છે. આ શિક્ષકોને અલગ અલગ સર્વે સહિત કોરોના વાયરસ માટેની કામગીરી આપવામાં આવી હતી. જેને લઇ હવે શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

જો કે, સરકાર દ્વારા નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવતા પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષણ મંડળના વિરોધ વચ્ચે શિક્ષકો પર દબાણ કરી આ કામગીરી સોંપવામાં આવી હતી. માત્ર દક્ષિણ ઝોનના 600 શિક્ષકોમાંથી 16 શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે હજુ અન્ય ઝોનના શિક્ષકોના ટેસ્ટિંગ બાકી છે. શિક્ષકો હાલ કોરોના વાયરસના સુપરસ્પ્રેડર બન્યા છે.

(5:05 pm IST)