Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરામાં એમ્‍બ્‍યુલન્‍સ અટકાવીને સોસાયટીનો ગેઇટ બંધ કરી દીધા બાદ સારવારમાં રહેલા કોરોનાગ્રસ્‍ત દર્દીનું આજે મોત

વડોદરા: શહેરના અલકાપુરીમાં વિસ્તારના સંગીતા એપાર્ટમેન્ટમાં આવેલા બરોડા ઇમેજિંગ સેન્ટરમાં શનિવારે રાત્રે કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સમાં લાવ્યા બાદ સોસાયટીનાં રહીશોએ હોબાળો મચાવ્યો હતો. એમ્બ્યુલન્સને અટકાવીને સોસાયટીનો ગેટ બંધ કરી દીધો હતો. શનિવારે રાત્રે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું.

 અલકાપુરીના સંગીતા એપાર્ટમેન્ટમાં રહેતા અને બરોડા ઇમેજીગં સેન્ટર ધરાવતા વીરેન શાંતિલાલ શાહે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોસાયટીનાં રહીશો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણે આરોપ લગાવ્યો કે, અમારે ત્યાં કોરોનાના દર્દી આવતા હોવાથી અમે સોસાયટીનો ગેટ બંધ કરીએ છીએ. જેથી મે વળતો મેસેજ કર્યો કે, આ મહામારીમાં ડોક્ટરની સર્વિ બંધ કરવી બિનકાયદેસર છે અને સરકાર પગલા લઇ શકે છે.

રાત્રે શનિવારે સાડા નવ વાગ્યે બરોડા ઇમેજિંગ સેન્ટરમાં તપાસ માટે એક દર્દીને રિધમ હોસ્પિટલમાં ICU માંથી લઇને એમ્બ્યુલન્સ આવી હતી. જો કે રહીશો સોસાયટીના ગેટ પાસે ઉભા રહી ગયા હતા. એમ્બ્યુલન્સ આગળ બેસીને રસ્તો રોકી લીધો હતો. તેઓએ એમ્બ્યુલન્સ ડ્રાઇવર, દર્દી તથા તેના સગાઓ સાથે બોલાચાલી કરી હતી અને તેમને ભગાડી મુક્યા હતા.

(5:02 pm IST)