Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજય પોલીસ વડાનો પ્રથમ પ્રશંસા એવોર્ડ રાજકોટમાં પીઆઈ વણઝારાના ભાગે આવ્યો

ઈન્વેસ્ટીગેશનમાં નવો અભિગમ, રાષ્ટ્રવ્યાપી વિવાદ વખતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની કુનેહ અને કુદરતી આફત વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીલ થકી લોકોના જાનમાલના રક્ષણ સહિતના એકથી વધુ ગુણોનું સન્માન

રાજકોટ, તા. ૨૮ : ૨૦૨૦ના ચાલુ વર્ષથી ડીજીપી કમેન્ડેશન ડીસ્ક (પોલીસ વડાની પ્રશંસા ડીસ્ક- એવોર્ડ)ની શરૂઆત રાજયના નિવૃત થઈ રહેલા ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શ્રી શિવાનંદ ઝા દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજયગૃહ વિભાગની મંજૂરીથી હવેથી આ એવોર્ડ કાયમ એટલે કે દર વર્ષે આપવામાં આવશે. ડીજીપીનો આ સર્વપ્રથમ એવોર્ડ રાજકોટમાં પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. વણઝારા (પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન)ના ભાગે ગયો છે.

જુદી જુદી નવ કેટેગરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું વિશ્લેષણ કરવા ઉપરાંત છેલ્લા ૭ વર્ષના એ.સી.આર. (એન્યુઅલ કોન્ફીડેન્શીયલ રિપોર્ટ)ને ધ્યાનમાં રાખી આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનાર રાજકોટના પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. વણઝારાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તેમના કાર્યકાળ દરમિયાન વધુ પડતા વરસાદને કારણે તેમના વિસ્તારમાં સર્જાયેલી વોટર લોગીંગ અને બેઠા પુલ ઉપર પુરની સ્થિતિ વચ્ચે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીલનો ઉપયોગ કરી માનવ સાંકળ રચી જાનમાલની હાની થતી અટકાવી હતી. આ કામગીરીના પુરાવા રૂપે અખબારી અહેવાલો અને તસ્વીરોને ધ્યાનમાં રાખી તેમની ડીઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીલને બિરદાવવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટમાં બે દિવસ પહેલા જ રહેવા આવેલા અજાણ્યા નેપાળી યુવાનની હત્યા થઈ હતી. આ ઘટનાની છાન ભિન્ન દરમિયાન અનોખો અભિગમ એટલે કે પ્રથમ મૃતકની ઓળખ મેળવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને ઓળખ મળ્યા બાદ હત્યારાને શોધી કાઢવા માટે સીસીટીવી અને કોલ રેકોર્ડ સહિતના ડીજીટલ ઉપકરણો અને માધ્યમોનો ઉપયોગ થકી આરોપી સુધી પહોંચવાની વિશિષ્ટ કામગીરી વણઝારાએ કરી હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ્દ કરવા સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સમયે લઘુમતી સમાજની વસ્તી ધરાવતા વિસ્તારોના ઈન્ચાર્જ હોવાના નાતે લઘમુતી આગેવાનો સાથે શાંત બેઠક યોજી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની કુનેહપૂર્વકની કામગીરી ઉપરાંત નવનિર્મિત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં પ્રવેશ સાથે નવા વિસ્તારોમાં સરકારી ખરાબાની જગ્યાઓ સુચવી તેના પર લોક ભાગીદારીથી બબ્બે પોલીસ ચોકી (મોટા મવા અને વાવડી) ઉભી કરી આ વિસ્તારના લોકોની ફરીયાદ અને તેમના પ્રશ્નોના નિરાકરણને સરળ બનાવી ખરા અર્થમાં 'પોલીસ' શબ્દને સાર્થક કરવા બદલના તેમના એક થી વધુ ગુણોને નજર સમક્ષ રાખી કમીટીએ ડીજીપી એવોર્ડ માટે ડી.એસ. વણઝારાને પસંદ કર્યા હતા. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ચારે કોરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. (મો. ૯૯૭૮૯ ૯૯૯૪૭)

(4:23 pm IST)