Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

દારૂ સાથે જુગાર રમવા પણ મળે તે માટે શોખીનોની રાજસ્થાન-ગોવા ભણી દોટ

જુગારિયાઓએ ઉદયપુર, આબુ અને ગોવાની હોટલ બુક કરાવી

અમદાવાદ તા. ર૮ : શ્રાવણ મહિનામાં જુગારીયાઓએ જુગાર રમવા માટે ગુજરાત બહાર દોટ મુકી છે. અમદાવાદમાં પોલીસની રોકટોક હોવાથી તેમજ દારૂ પણ આસાનીથી મળતો નહીં હોવાના કારણે હવે જુગારિયા રાજસ્થાન તેમજ ગોવા જુગાર રમવા માટે નીકળી ગયા છે. તાજેતરમાં ઉદયપુર, અને આબુની હોટલમાં જુગાર રમતા ગુજરાતીઓને પોલીસે ઝડપી પાડયા હતા.

શ્રાવણ શરૂ થાય એટલે જુગારિયાની પણ સિઝન આવે છે કારણ કે એક મહિના સુધી શોખીનો મન મુકીને જુગાર રમે છે. તો બીજી તરફ આવા જુગારિયાને પકડી પાડવા માટે પોલીસ એડીચોટીનું ઘર અને  ઓફીસ ઉંચે ભાડે લેતા હોય છે. પરંતુ પોલીસ ત્યાં પણ ત્રાટકતી હોય છે. હારેલો જુગારી પોલીસને માહિતી આપીને રેડ કરાવે છે.જેના કારણે જુગારિયાના નવા નવા અડ્ડાઓ પણ પોલીસને ખબર પડી જતી હોય છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચ, પોલીસે જુગારના અસંખ્ય કેસ કરે છે.ત્યારે કેટલાક જુગારના શોખીનોએ હવે ગુજરાત બહાર દોટ મુકી છે. જયાં તે શાંતિથી અને મન મુકીને જુગાર રમી શકે. અમદાવાદમાં જુગારના શોખીનોએ આબુ, ઉદયપુર, ગોવા જેવાં ફરવાલાયક સ્થળોએ હવે જુગારધામ શરૂ કરી દીધા છે. હોટલો અને રિસોર્ટ ભાડે રાખીને કેટલાક મોટા માથા જુગારિયાની એક ટીમ બનાવીને અમદાવાદ અને અલગ અલગ જગ્યાએથી પુરેપુરી સવલતો સાથે જુગાર રમવા માટે લઇ જાય છે.

રાજસ્થાનના ઉદયપુરમાં ઉદયબાગ હોટલ એન્ડ રિસોર્ટમાં ઉદયપુર પોલીસ અને એટીએસની ટીમે દરોડો પાડી પ૯ જેટલા જુગારિયા ઝડપી પાડયા છે. આ મામલે રાજસ્થાન એટીએસના પીઆઇ અબ્દુલ રહેમાને જણાવ્યું છે કે ગુજરાતથી જુગારિયાઓ રમવા માટે આવતા હોવાના કારણે ઉદયપુર તેમજ અન્ય જગ્યાઓ પર હોટલનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(4:21 pm IST)