Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સી.આર પાટીલની સ્વાગત રેલીના આયોજકો સામે કાર્યવાહી કરવા માંગ : કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

રેલીના આયોજકો, ભાજપના ધારાસભ્યો, તેમજ મંત્રીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાની માંગ

સુરતઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર પાટીલ પ્રથમ વખત સુરત આવી રહ્યાં છે, જેને લઈને સુરત શહેર ભાજપ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, રેલી છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવામાં આવી હતી.

ત્યારે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રેલીના આયોજકો, ભાજપના ધારાસભ્યો, તેમજ મંત્રીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ તકે કોંગ્રેસના બાબુભાઈ રાયકાએ જણાવ્યું કે, ભાજપને બધી જ છૂટ છે તેમને કાયદો નડતો ન હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 8થી 10 કાર્યક્રમોની મંજૂરી માંગવામાં આવી છે તેમ છતાં એક પણ મંજૂરી આપવામાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, કાર્યક્રમો વખતે પોલીસ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ પણ કરે છે. બધા માટે કાયદો સમાન હોવો જોઈએ. અમારી પણ અગાઉ ધરપકડ થઈ છે, તેમ ભાજપના નેતાઓ અને કાર્યકરો જે એકઠા થયા હતા તેમની સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર પાટીલ પ્રથમ વખત સુરત આવી રહ્યાં હોવાથી સુરત શહેર ભાજપ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા હતા.

કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો 1,000 મીટર લાંબો ધ્વજ તૈયાર કર્યો હતો. આ ધ્વજને તેમણે તમામ કાર પરથી લહેરાવ્યો હતો. તેમને આવકારવા માટે 1500થી 2000 જેટલી કાર સાથે કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા.

જોકે, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલે આ રેલી તથા નવસારી સહિત અન્ય જગ્યાએ યોજાનારા કાર્યક્રમો રદ્દ કરવાની જાહેરાત કરી હતી

(12:01 pm IST)