Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજ્યમાં તમામ કોલેજોની સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના છાત્રોની જુલાઈમાં ઓફલાઈન પરીક્ષા યોજવા આદેશ

શિક્ષણ વિભાગ દ્વારા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા આદેશ: સૌરાષ્ટ્ર યુનિ.માં 8 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ કરાયો છે. યુનિ. તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા અનુસાર સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.

હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે

(8:37 pm IST)