Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના કિસ્સાઓ વધી રહયા છે ત્યારે આજે અડાલજ નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ કરીને પોલીસે પરિવારજનોને જાણ કરી હતી. રાણીપના ડ્રાઈવર યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે અડાલજ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.  

ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર આવેલા અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે સવારના સમયે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ તરતો હોવાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરતાં એએસઆઈ દશરથભાઈ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા.જયાં ફાયર બ્રિગેડની મદદથી આ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો. ખીસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં યુવાન કૃણાલ વિક્રમભાઈ દંતાણી રહે.પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧ રાણીપ અમદાવાદ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે યુવાનના પરિવારજનોને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. યુવાનના પિતા તેમજ ભાઈ સહિત લોકો કેનાલ ઉપર આવી પહોંચ્યા હતા. જયાં તેમણે પોલીસને કહયું હતું કે ગઈકાલે સાંજે કૃણાલ ઘરે આવ્યો હતો અને જમ્યા પછી સુઈ ગયો હતો ત્યારબાદ તે કોઈને કહયા વગર ઘરેથી નીકળી ગયો હતો. જેના પગલે પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ કયાંય પતો લાગ્યો નહોતો. ડ્રાઈવરની નોકરી કરતાં કૃણાલે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે જાણવા માટે અડાલજ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. 

(5:42 pm IST)