Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદમાં કોરોના બાદ બીયુએ લોકોને બેહાલ કર્યા

છેલ્લા ૨૫ દિવસથી દુકાનો સીલ : પરિવારની હાલત દયનીય, લોનના હપ્તા, ઘરમાં માંદગી, બાળકોને ભણાવવાના ખર્ચ કેવી રીતે કરવા તે સવાલ

અમદાવાદ, તા. ૨૭ : ગત વર્ષથી કોરોનાના કારણે અનેક વેપરીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. તેવામાં બીજી તરફ બીયુ પરમિશન વગરની મિલકતો સીલ કરવામાં અમદાવાદમાં હજારો વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સીલ થયેલી દુકાનો મામલે વિરોધ કરી રહેલા આવા જ કેટલાક વેપારીઓની આર્થિક સ્થિતિ જાણવાનો પ્રયાસ  કર્યો. જેમા સામે આવ્યું એ દર્દ કે, જેને કોઈ જાણતું નથી.

રાણીપના મારુતિ કોમ્પ્લેક્સમાં ૨૧ વર્ષથી આવેલી પોતાની દુકાનમાં દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ ભાઈ દરજી આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા છે. જીગ્નેશભાઈની હાલત જોઈને ભલભલા વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. કોરોનાના કારણે આ પરિવાર દોઢ વર્ષથી તો તકલીફનો સામનો કરી જ રહ્યો છે. તેવામાં કોરોના પહેલા જ જીજ્ઞેશ ભાઈના મોટા દીકરાનો અકસ્માત થયો હતો. ત્યારથી જ આ પરિવાર આર્થિક ભીંસમાં મુકાયેલો છે. તેમના દિકરાનો સારવારનો દર મહીને ૧ લાખનો ખર્ચ થાય છે. અત્યાર સુધીમાં આ પરિવાર દીકરાની સારવારમાં ૩૫થી ૪૦ લાખ ખર્ચી ચૂક્યો છે.

હાલત એટલી ખરાબ હતી કે, ૧૫થી ૨૦ લાખ રૂપિયા વ્યાજે લાવીને દીકરાની સારવાર કરાવવાની ફરજ પડી. એટલું જ નહીં, આ પરિવાર મદદ માટે સમાજ પાસે પણ હાથ લંબાવી ચૂક્યો છે. આટઆટલી તકલીફ અને તેમાંય દોઢ વર્ષથી કોરોના મહામારી અને ત્યારબાદ કોર્પોરેશને દુકાન સીલ કરતા પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે.  અનેક તકલીફોનો સામનો કરી રહેલો આ પરિવાર ઈચ્છે છે કે, હવે સરકાર તેમની સીલ થેયલી દુકાન ખોલી આપે. તેમના પરિવાર જનોનું કહેવું છે કે, કોર્પોરેશને અમારા જેવા કેટલાય પરિવારોની રોજગારી છીનવી લીધી છે. 

આવી જ કાંઈક હાલત રાણીપમાં રહેતા અને રાણીપના મારુતિ કોમ્પ્લેક્સમાં ૨૩ વર્ષથી ઘડીયાળની દુકાન ધરાવતા હર્ષદભાઈ સોનીના પરિવારની. મકાનની લોન, દુકાનની લોન, પર્સનલ લોન એવી અલગ અલગ ૫ લોન તેમના માથે ચાલે છે. કોરોનાએ તો તેમનો ધંધો ઠપ્પ કરી જ નાખ્યો છે અને જે કસર બાકી હતી તે કોર્પોરેશને દુકાન સીલ કરીને પુરી કરી નાખી. હવે મહિને ૮૦ હજારના બેંકના હપ્તા તેઓ કેવી રીતે ભરે તે સવાલ છે. ઘરમાં એક માત્ર કમાનાર હર્ષદભાઈની હાલત પણ કફોડી થઈ ગઈ છે.  તો આવીજ કંઈક હાલત  અન્ય એક વેપારી મિતેષભાઈના પરિવારની છે. દર મહિને મકાનના ૨૧ હજારનો હપ્તો અને દુકાનનું ભાડું સાથે જ બે દીકરીઓને ખાનગી સ્કૂલમાં ભણાવવા માટે ફીનો ખર્ચ અન્ય અભ્યાસના ખર્ચ અને તેની સામે આવક શૂન્ય છે. આ પરિવાર પણ હવે પોતાની દુકાન ખુલે તેવી માંગ કરી રહ્યો છે. BU પરમિશનના અભાવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  શહેરમાં ૨ હજારથી વધુ દુકાનો સીલ કરી દીધી છે. આ સીલ દુકાનો ખોલવા વેપારીઓ ૨૫ દિવસથી લડત ચલાવી રહ્યા છે અને દૂકાનો સીલ થતા વેપારીઓ ની હાલત કફોડી થઈ છે.

(9:54 pm IST)