Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મહેસાણાના કડી નર્મદા કેનાલમાંથી વધુ ૩૦૯ દારૂની બોટલ મળી : ૯ પોલીસ કર્મચારીઓ સામે ગુન્હો

મહેસાણા, તા.૨૮: કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનના દારૂ પ્રકરણે જોર પકડયું છે. હજુ સુધી આ કેસના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યાં આજે આદુદરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી દારૂની વધુ ૩૦૯ બોટલો જપ્ત કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનના દારૂ પ્રકરણની ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે આદુંદરા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં તપાસ કરતા આજે વધુ ૩૦૯ જેટલી દારૂની બોટલો રિકવર કરી છે. આમ આ દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ ૩ ઠેકાણેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

કડી પોલીસે પરપ્રાંતનો દારૂ પકડયા બાદ તેમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો અને તેમાંથી અમુક દારૂની બોટલો કડી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવાઇ હતી. આ બનાવમાં કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ઓ.એમ દેસાઇ, બે પીએસઆઇ સહિત ૯ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

અગાઉ પણ સ્ટેટ ડિઝાસ્ટર રેસકયુ ફોર્સ SDRFની ટીમે કડી પાસેની નર્મદા કેનાલમાંથી ૧૩૨ દારૂની બોટલો શોધી કાઢી હતી. જે આરોપી પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાનો ગુનો છુપાવવા માટે કેનાલમાં નાંખી દીધી હતી.

(4:12 pm IST)