Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાતના નિષ્ણાંતો કહે છે કોરોનાનો પીછો કરવાનું છોડોઃ ગંભીર દર્દીઓ ઉપર ધ્યાન આપો

ડો. તેજસ પટેલ : ડો. પંકજ શાહ : ડો. અતુલ પટેલ

અમદાવાદ, તા. ૨૮: કોવિડ-૧૯ વાયરસનો પીછો કરવાનું બંધ કરીને જેમને સારવારની ખૂબ જરૂર છે તેમના પર ધ્યાન આપો. આ સલાહ સરકારની કોવિડ-૧૯ સલાહકાર સમિતિમાં રહેલા ડિસીઝ એક્સપર્ટે આપી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિને મંગળવારે પત્ર લખીને એક્સપર્ટ ડૉક્ટરોની ટીમે આ વાત સૂચવી હતી. આ ટીમમાં ડૉ. પંકજ શાહ, રોગચાળાના નિષ્ણાંત ડૉ. અતુલ પટેલ અને કાર્ડિયાક સર્જન ડૉ. તેજસ પટેલ સામેલ છે. આ ત્રણ ડૉક્ટર્સ સરકારે હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલનું ઇન્પેક્શન કરવા બનાવેલી કમિટીના પણ સભ્યો છે.

પોતાના પત્રમાં એક્સપર્ટ્સે સૂચન કર્યું કે, અધિકારીઓએ લક્ષણો ન દેખાય તેવા દર્દીઓ, તેમના સંપર્કમાં આવેલા ક્વોરન્ટાઈનમાં રહેતા તેમના પરિવારના સભ્યોનું ટેસ્ટિંગ બંધ કરવું જોઈએ. ઉપરાંત એક્સપર્ટે એમ પણ સૂચન કર્યું છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો ફરી પોતાને કોરોના થયો છે કે નહીં જાણવા માટેનો ટેસ્ટ બંધ કરવો જોઈએ. રાજ્ય સરકારના સિનિયર અધિકારીએ જણાવ્યું, જો સરકાર દ્વારા આ સૂચનો સ્વીકારવામાં આવે છે તો શહેરમાં કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં ફેરફાર જોવા મળશે.

હાલમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગાઈડલાઈન જાહેર કરીને ૧૮મી મેએ એવું સૂચન કર્યું હતું કે, લક્ષણો ન હોય તેવા ડાયરેક્ટ અને હાઈ-રિસ્ક કોન્ટેક્ટના કન્ફર્મ કેસનું સંપર્કમાં આવ્યાના ૫થી ૧૦ દિવસની વચ્ચે ટેસ્ટિંગ કરવું.

રાજ્યના એક્સપર્ટ્સનું સૂચન છે કે, કન્સલ્ટન્ટની સલાહ બાદ શંકાસ્પદ દર્દીઓનું જ કોવિડ-૧૯ ટેસ્ટિંગ કરવું જોઈએ અને લક્ષણો હોય તેવા હેલ્થ વર્ક્સનું પણ કન્સલ્ટન્ટની સલાહ બાદ ટેસ્ટિંગ થવું જોઈએ.

 એક્સપર્ટે સૂચવ્યું છે કે, આવી જ રીતે સર્જરી માટે લઈ જવાતા દર્દીઓના કેસમાં પણ સૂચનનું પાલન કરવું જોઈએ. જો કે તેમણે પોતાના સૂચનોમાંથી કેન્સરની સારવાર માટે કિમોથેરાપી, રેડિયોથેરાપી લેતા અને ડાયાલિસિસ કે પ્રેગન્ટ મહિલાઓને બાકાત રાખી છે.

(4:03 pm IST)