Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

૧૫ લાખની ખંડણી ખુદ પોલીસમેન દ્વારા જ માંગવામાં આવી હતી

રક્ષક...ભક્ષક, મિત્ર....શત્રુ બનેલઃ બ્લેક મેઇલીંગ ગરીબ મજુર નહિ, કાયદાના રખેવાળ દ્વારા જ થતુ : અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં અદભુત કિસ્સો વર્ણવ્યો : પોલીસવાનમાંથી રેઢા મળેલા મોબાઇલ ફોનનો ઉપયોગ કોન્સ્ટેબલે તેની ગર્લફ્રેન્ડની મદદથી કર્યો હતો : પોલીસની તપાસમાં પોલીસ જ અપરાધી હોવાનો રહસ્યસ્ફોટ થયો

રાજકોટ, તા., ૨૮: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર પેટ્રોલીંગમાં હતા તેવા સમયે તેમના પી.એનો મેસેજ આવ્યો 'સર, એક વેપારી દંપતી આપને મળવા માંગે છે, ખુબ જ ગભરાયેલા લાગે છે તેઓને શું જવાબ આપું' આવો ફોન મળતા જ પોલીસ તંત્રનો બહોળો અનુભવ ધરાવતા અજયકુમાર તોમરને એ સમજતા વાર ન લાગી કે નક્કી કોઇ ગંભીર સમસ્યા  છે, નહિતર કોરોના સમયે આ રીતે કોઇ મળવા ન આવે. તેઓ તુર્ત જ ઓફીસ પર પરત આવ્યા એ વેપારી દંપતીને આશ્વાસન આપી પુછપરછ કરતા તેઓની પુત્રીને બ્લેક મેઇલીંગ કરી ૧પ લાખની ખંડણી મગાઇ રહયાનો રડતા રડતા ફરીયાદ કરી.

અજયકુમાર તોમરે તે વેપારી પાસેથી પ્રાથમિક માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચની સર્વેલન્સ કામે લગાડી નંબર શોધ્યો અને તપાસ દરમિયાન ધડાકો થયો,  ૧પ લાખની ખંડણી બ્લેક મેઇલીંગ દ્વારા માંગનાર પોલીસમેન દશરથસિંહ અને તેની ગર્લફ્રેન્ડ રૂપલ હતી.

અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે અમારી તપાસ દરમિયાન કોરોના વાયરસને કારણે વતનમાં ઉતરપ્રદેશ ગયેલા મજુરના નામનો  મોબાઇલ હોવાનું ખુલ્યું. તેની પુછપરછ કરતા તે ઉતરપ્રદેશ હોવાનું અને પોતાનો મોબાઇલ ગુજરાતમાં ગૂમ થયાનું જણાવેલ.

આટલી માહીતી બાદ સર્વેલન્સ વધુ સઘન બનાવાયું, ધમકી આપનાર શખ્સ ધમકી આપ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખતો. પોલીસની કાર્યવાહીથી વાકેફ હોવાના કારણે અન્યો મારફત મોબાઇલ વિવિધ જીલ્લામાં મોકલાતો હોવાથી લોકેશન ટ્રેસ થતુ ન હતું. આ મામલાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી ભેદ ઉકેલાયો.

ખંડણીખોર બ્લેક મેઇલર ગરીબ મજુર નહિ અમદાવાદનો પોલીસમેન દશરથસિંહ હતો. દશરથસિંહની ગર્લફ્રેન્ડ રૂપલ અને વેપારીની પુત્રી બંન્ને ફ્રેન્ડ હતી એટલે રૂપલે જ પોતાની મિત્રના પિતા ખુબ જ સુખી સંપન્ન હોવાથી રકમ આપી દેશે તેવું જણાવેલ.  આ કિસ્સાની કરૂણતા એ છે કે લોકોને જેના પર સૌથી વધુ વિશ્વાસ હોય છે તેવા પોલીસે રક્ષકને બદલે ભક્ષક અને મિત્રએ શત્રુ બની જે વિશ્વાસઘાત કર્યો એના સુચિતાર્થો સ્વાર્થીપણાના અદભુત ઉદાહરણરૂપ સાથે દુઃખદાયક છે.

(11:38 am IST)