Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાના દર્દીઓની સેવા માટે રાજકોટના તબીબો ખડેપગે

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં તબીબોની સેવા : રાજકોટના જાણિતા અને અનુભવી તબીબો રોજ દર્દીઓની મુલાકાત લેશે : ૨૪ કલાક ઓનકોલ પર પણ હાજર હશે

અમદાવાદ,તા.૨૭ : સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝીંક ઝીલી રહ્યું છે, ત્યારે ગંભીર પરિસ્થિતિમાં દર્દી માટે ક્રિટિકલ કેર અતિ મહત્ત્વની સાબિત થઈ શકે તેમ હોય છે. આવા સમયે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન રાજકોટના માનવીય અભિગમથી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં શહેરની નામાંકિત હોસ્પિટલ્સના ૧૯થી વધુ ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા નિઃશુલ્ક સારવારનો લાભ મળશે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ દરરોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે.

               એટલું જ નહીં, ઓનકોલ ૨૪ કલાક હાજર રહેશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ચેસ્ટ, ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી તબીબોના અનુભવનો વિશેષ લાભ મળશે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિનના ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં હૃદય, ફેફસાં સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે તેમને ઓક્સિજનની જરૂર હોઈ, વેન્ટિલેટર, મેડિસિન સહિત જરૂરી તાકીદની સારવાર તાત્કાલિક મળી રહે, તેના આગોતરા આયોજનના ભાગરૂપે ૧૯ તબીબની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે. બીજી તરફ, નોડલ ઓફિસર ડો. મનીષાબેન પંચાલે કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓને જરૂરી તમામ સારવાર માટે સાધન-સુવિધાયુક્ત આઇસીયુ ઉપલબ્ધ હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે ગંભીર દર્દીઓની સારવાર પણ યોગ્ય સમયે થઈ શકશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

(10:04 pm IST)