Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાતમાં ઝડપથી જનજીવન થાળે પડી રહ્યું છે : અશ્વિનીકુમાર

કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના ક્ષેત્રોમાં એસટી સેવા પૂર્વવત : મુસાફરોનું તાપમાન, સેનિટાઇઝર, માસ્ક અને સામાજિક અંતરના સંપૂર્ણ પાલન સાથે રાજ્યમાં બસ પરિવહન શરૂ

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં કોરોના સાથે, કોરોના સામે જુસ્સાપૂર્વક જંગ લડીને રાજ્યમાં આર્થિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક જનજીવન પૂર્વવત કરવા તા. ૧૯મી મે થી લૉકડાઉન-૪માં ચોક્કસ નિયમો સાથે વિવિધ છૂટછાટો આપી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહન સેવા સરળતાએ મળે તે માટે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શક્ય તેટલી વધુ ટ્રીપોનું સંચાલન કરાવવાની ઉદાહરણ રૂપ કામગીરી કરવા એસટી નિગમને પ્રેરિત કર્યુ હતું. તદઅનુસાર, તા. ૨૦મી મે થી તા. ર૬મી મે દરમ્યાન છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાંથી ૨,૬૩,૧૨૯ જેટલાં મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે.

             એસટી નિગમ દ્વારા પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે કરાયેલા પ્રયાસો અંગે વિજય રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસટી ટીમને અભિનંદન આપ્યા છે. મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, ગુજરાત એસટી નિગમ દ્વારા લોક ડાઉન - ૩ બાદ સામાન્ય મુસાફરો માટે પુનઃ શરૂ કરાયેલ પરિવહન સેવામાં તા. ૨૦મી મે ના રોજ ૨૩,૦૬૯ લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો હતો. તેમાં ઉત્તરોત્તર વધારો થતાં તા. ૨૧મી મે ના રોજ ૨૫,૦૨૩ લોકોએ,તા. ૨૨મી મે ના રોજ ૩૪,૮૨૫ લોકોએ, તા. ૨૩મી મે ના રોજ ૪૦,૮૧૮ લોકોએ, તા. ૨૪મી મે ના રોજ ૩૫,૦૬૪ લોકોએ,તા. ૨૫મી મે ના રોજ ૪૫,૮૨૫ લોકોએ અને તા. ૨૬મી મે ના રોજ ૫૮,૫૦૫ લોકો મળી સમગ્રતયા કુલ ૨,૬૩,૧૨૯ નાગરિકોએ એસ.ટી બસ સેવાનો લાભ લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સંજોગોમાં મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવે છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.

                 મુખ્યમંત્રીના સચિવએ ઉમેર્યુ કે, માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસટી નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જયારે ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે તેમજ આંતરરાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના સચિવએ કહ્યું હતુ કે રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(9:59 pm IST)