Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વિશ્વના અન્ય દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓને વંદેભારત મિશન અન્વયે સ્વદેશ પરત લવાયા

ગુજરાતે દેશમાં સૌથી વધુ 966 વિશેષ ટ્રેન દ્વારા 14.10 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને વતન રાજ્યમાં મોકલવાની કરી: રાજ્ય પરિવહનની બસમાં 2,53,129 મુસાફરોએ સફર કરી:

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૭મી મે, સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે. કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે આવા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને પોતાના વતનમાં ઘર-પરિવાર પાસે એકવાર પહોચાડવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં રાજ્યના વહિવટીતંત્ર રેલ્વે મંત્રાલયના સંકલનમાં રહિને સફળતાથી પૂર્ણ કરવા તરફ છે.

 કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓને તા.ર૭મી મે બુધવાર સુધીમાં વંદેભારત મિશન અન્વયે સ્વદેશ-વતનભૂમિ પરત લાવવામાં આવ્યા છે. CM રૂપાણીએ વંદેભારત મિશન  માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો વિશેષ આભાર માન્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે તા.૭મી મે થી વંદેભારત મિશન શરૂ કર્યુ છે. વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણજ કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે. તા.૧રમી મે એ યુ.એસ.એ. થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ‘વંદેભારત મિશન’નો બીજો તબક્કો તા.૧૬મી મે થી શરૂ કર્યો છે જે તા.૧૩મી જૂન સુધી ચાલુ રહેવાનો છે.
  બીજી તરફ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા લોક ડાઉન - ૩ બાદ સામાન્ય મુસાફરો માટે પુન: શરૂ કરાયેલ પરિવહન સેવાનો  કુલ ૨,૬૩,૧૨૯ નાગરિકોએ લાભ લીધો છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયે સેનેટાઈઝ કરીને જ બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે. માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે. હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(9:33 pm IST)