Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

એ ૪૭ શકમંદ બાંગ્લાદેશીઓનું ડ્રગ્સ કારોબાર કનેકશન છે કે કેમ? પૂછપરછ શરૂ

અમદાવાદમાં રથયાત્રાના પેટ્રોલીંગ સમયે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડાયેલા બાંગ્લાદેશીઓ પાસે ભારતીય નાગરીક હોવાના કોઇ પુરાવાઓ ન મળ્યાઃ ડીસીપી ડો. હર્ષદ પટેલ

અમદાવાદની એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પેટ્રોલીંગમાં ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા વગર ઝડપાયેલા ૪૭ શકમંદ બાંગ્લાદેશીઓની તસ્વીર. (૪.૩)

રાજકોટ, તા., ર૮: પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા બંદોબસ્તવાળી અમદાવાદની ઐતિહાસિક જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસ કમિશ્નરની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ દ્વારા ચાલતી પેટ્રોલીંગની કામગીરી દરમિયાન અમદાવાદની એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શનવાળી ટીમે ૪૭ જેટલા શકમંદ બાંગ્લાદેશીઓને પકડી તેને નજરકેદ કરી તેમના ઇરાદાઓ અંગે પૂછપરછનો ભારે ધમધમાટ ચાલી રહયાનું સુત્રો જણાવે છે.

બંદોબસ્તમાં રહેલી વિવિધ પ ટીમો પૈકીની પીએસઆઇ બીએમ પટેલ, બી.ડી.ભટ્ટ, એમ.એલ. સોલંકી, ડીઆઇ સોલંકી અને પીએસઆઇ પી.કે.ભૂતની ટીમ ઇસનપુર ચંડોળા તળાવની પાળે દશામા મંદિર પાસેથી  તથા દાણી લીમડા બીઆરટીએસ બસ સ્ટેશનની પાછળ, ચિરાગ પાર્ક સોસાયટીના નાકા પાસેથી તથા નરોડા પાટીયા એસટી વર્કશોપની સામે તથા વટવા અંબીકા બ્રીજ પાસે આવેલ મટનની દુકાન, જુના વાડજ બસ સ્ટેશન શાક માર્કેટ પાસેથી આ શકમંદ ૪૭ જેટલા ઇસમોને પકડી પડાયા હતા.

ઉકત શકમંદોની  પુછપરછ કરતા  તેઓની પાસે ભારતીય નાગરીક હોવાના આધાર પુરાવા નહિ મળી આવતા એસઓજી ક્રાઇમ બ્રાન્ચે તમામની સઘન પુછપરછ શરૂ કરી તેઓના ઇરાદા અંગે તથા રથયાત્રા સંદર્ભે તેઓ ઘુસ્યા નથી ને? તે બાબતે ઉંડાણ પુર્વકની પુછપરછ ચાલી રહયાનું ડીસીપી ડો. હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ડો. હર્ષદ પટેલે વિશેષમાં ઉકત ૪૭ બાંગ્લાદેશીઓ અન્ય કોઇ ગુન્હાહીત પ્રવૃતિઓ  ખાસ કરીને ડ્રગ્સની અને ગાંજાની  હેરફેર સાથે સંડોવાયેલ તો નથી ને? તે દિશામાં પણ પુછપરછ ચાલી રહયાનું જણાવ્યું હતું.

(3:45 pm IST)