Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સુરત અગ્નિકાંડ

તપાસ રીપોર્ટમાં ઘોર બેદરકારી સામે આવી

સુરત, તા.૨૮: સરથાણા વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૨૨ માસૂમોના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આગની આ ગંભીર ઘટનામાં તપાસની જવાબદારી અગ્રસચિવ મુકેશ પુરીને સોંપવામાં આવી હતી. તેમણે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી.

આ રિપોર્ટ તૈયાર કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ રિપોર્ટના કેટલાક અંશ રજૂ કર્યા હતા. જેમાં તેમણે પ્રાથમિક તપાસમાં સ્થળની મુલાકાત, ઈજાગ્રસ્તોની સાથે વાતચીત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં અનેક મહત્વની બાબતો સામે આવી છે. બિલ્ડીંગની પરવાનગી ઈમ્પેકટ ફી ભરીને મેળવવામાં આવી હતી. તે સમયે બિલ્ડિંગ ૩ માળની દર્શાવવામાં આવી હતી. પરંતુ ઘટના જે જગ્યાએ બની તે જગ્યા પર બિલ્ડિંગના ધાબા પર ડોમ જેવું સ્ટ્રકચર બનાવીને કલાસીસ ચલાવવામાં આવતા હતા તે અરજીમાં દર્શાવ્યું નહોતું. ઈમ્પેકટ ફીની ફાઈલ મંજૂર કરતા સમયે એન્જિનિયરે રૂબરૂ સાઈટ વિઝિટ કરવાની હોય છે પરંતુ તેમણે કોઈ સાઈટ વિઝિટ કરી નહોતી અને એપ્રુવલ આપી દીધું છે.

આગની ઘટનામાં ખૂબ અગત્યની બાબતએ પણ સામે આવી છે કે કલાસીસમાં બાળકોને બેસવા માટે ખુરશી કે બેન્ચ આપવામાં આવતી નહોતી. કલાસીસના સંચાલકો દ્વારા બે ટાયર્સ ભેગા કરીને બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી હતી. જેના કારણે આગ લાગી ત્યારે આ ટાયરો સળગવાને કારણે આગનો ધૂમાડો વધુ થયો. ડોમ બનાવવામાં આવ્યો જેમાં કોઈ વેન્ટીલેશન ન મળતા પરિસ્થિતિ વધારે ગંભીર બની હતી.

બિલ્ડિંગમાં લગાવેલા કાચને કારણે પાણી અંદર જઈ શકે તેમ નહોતું. જે જગ્યાએ બાળકોએ કાચ તોડ્યા હતા તે જગ્યા પરથી જ પાણી અંદર જઈ શકયું હતું. આ ઉપરાંત ત્રીજા માળે પહોંચી શકાય તેવી સીડીની કોઈ સુવિધા ન હતી. સુરત મહાનગર પાલિકા પાસે બે હાઈડ્રોલિક ફાયર ફાઈટર છે એક ૫૫ મીટર અને બીજું ૨૦ મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે પરંતુ તેને પહોંચવામાં ૪૦ મિનિટથી વધુનો સમય લાગ્યો. જોકે તે પહેલા ઘટના ઘટી ચૂકી હતી.

બિલ્ડિંગ ત્રણ બાજુથી બંધ હતી. એક અન્ય રસ્તો હતો જયાંથી ફસાયેલા બાળકો બહાર નીકળી શકયા હોત પરંતુ આ દરવાજો કોઈએ બંધ કરી દીધો હતો. જેના કારણે અન્ય કોઈ રસ્તો ન મળતા બાળકોએ કૂદીને જીવ બચાવવાનો રસ્તો પસંદ કર્યો.

(11:53 am IST)