Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ખાનગી શાળાના સંચાલકો દ્વારા પુસ્તકો- નોટબુકોનું ગેરકાયદે ધૂમ વેચાણ : રોષ

સૌરાષ્ટ્ર બુક સેલર્સ અને સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા શાળા સંચાલકોની નફાખોરી સામે અવાજ ઉઠાવશે

રાજકોટ, તા. ૨૮ : માત્ર નફાખોરી અને વિદ્યાર્થીઓને ગ્રાહક સમજતા ખાનગી શાળા સંચાલકો સામે હવે સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશને અવાજ ઉઠાવ્યો છે.

તાજેતરમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બુક સેલર્સ અને સ્ટેશનર્સ એસોસીએશનની બેઠક મળી હતી. જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના વેપારીઓ જોડાયા હતા.

વેપારીઓએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યુ હતું કે ખાનગી શાળાઓમાં પુસ્તકો, સ્ટેશનરી, નોટબુક, ચોપડા, પ્રાઈવેટ પ્રકાશનોના પુસ્તકો, શાળામાંથી વિદ્યાર્થીઓને લેવાની ફરજ પાડે છે જે ગેરવ્યાજબી છે. શાળા એ માત્ર શિક્ષણ આપતી પ્રવૃતિ જ કરવાની હોય છે. આ પ્રકારના વેપારી ધંધા ખૂબ વધી ગયા છે. સૌરાષ્ટ્રના સ્ટેશનરી વેપારીના ધંધા, રોજગારને ખૂબ અસર થવા પામી છે. સ્કુલ તગડી ફી ઉઘરાવીને આ વધારાનો બોજ વાલીઓ ઉપર નાખે છે.

મીટીંગમાં ચર્ચા થઈ હતી કે, શાળાઓના કલાસરૂમમાં પુસ્તકોની દુકાન ખોલીને બેઠા છે અને તેનું વેચાણ સ્કુલના શિક્ષકો અને પટ્ટાવાળા દ્વારા કરવામાં આવે છે તેમ છતાં પાઠ્ય પુસ્તકોમાં વળતર ઓછું છે અને મેળવવામાં મુશ્કેલી પડે છે તેવી બુકસ બજારમાંથી લેવાનું કહીને વાલીઓને ધક્કા ખવડાવે છે. બેઠકમાં સૌરાષ્ટ્ર બુક સેર્લ્સ અને સ્ટેશનરી એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતું કે સરકારે શાળામાં કોઈપણ પ્રકારનું વેચાણ કરવુ નહિં છતાં ખાનગી શાળાના સંચાલકો સરકારની સુચનાને ઘોળીને પી ગયા છે. આ અંગે તા.૩૦-૫-૨૦૧૯ના સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં કલેકટરને અને શિક્ષણાધિકારીને આવેદન સૌરાષ્ટ્ર બુક સેલર્સ અને સ્ટેશનરી એસોસીએશન દ્વારા કરવામાં આવશે.

(11:52 am IST)