Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

નામ છે 'ભયાનક ટી સ્ટોલ' જયાં મળે છે 'ચૂડેલ ચા-ભૂત કોફી': બધુ જ હોરર થીમ પર

અમદાવાદમાં અનોખો ચાવાળોઃ ભૂતપ્રેતનો ડર દૂર કરવા સ્મશાનમાં શરૂ કર્યો સ્ટોલ

અમદાવાદના સ્મશાનમાં આવેલા ભયાનક ટી સ્ટોલ પર ચા પીવા આવેલા નાગરિકો.

અમદાવાદ તા. ર૮ :.. ગુજરાતના અમદાવાદમાં આવેલા એક સ્મશાનમાં ચાના રસિયાઓને સ્પેશ્યલ ચુડેલ ચા અને સ્પેશ્યલ ભૂત કોફી મળી રહી છે. એરપોર્ટ નજીક ભદ્રેશ્વર વિસ્તારમાં આવેલા સ્મશાનમાં 'ભયાનક ટી સ્ટોલ' માં ચાના રસિયાઓ ટેસથી ભુતપ્રેતનાં નામ સાથે જોડાયેલી ટેસ્ટી ચા પી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત દિવ્યાંગ યુવક અનિલ બજરંગેએ સ્મશાન અને ભુતપ્રેતનો ડર દૂર કરવા હોરર થીમ પર આ નવતર પ્રયાસ કર્યો છે.

ભદ્રેશ્વર વિસ્તારમાં આવેલા છારા સમાજના સ્મશાનગૃહ પાસે ભયાનક ટી સ્ટોલનું બોર્ડ વાંચીને ઘડીભર માટે તો સ્મશાનમાં આવતા ડાઘુઓ, અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ડર સાથે અચરજ પામી જાય છે, કેમ કે આ ટી સ્ટોલ પર સ્પેશ્યલ ચુડેલ ચા, સ્પેશ્યલ દો ગજ ઝમીન કે નીચે ચા, સ્પેશ્યલ ભૂત કોફી, સ્પેશ્યલ વિરાના દૂધ સહિત બિસ્કીટ  અને ખારી સહીતના ખાદ્ય પદાર્થો સાથે ભૂતપ્રેત સંલગ્ન નામે જોડવામાં આવ્યા છે.

જેને લોકો 'ડોન'ના નામે બોલાવે છે તે ચાનો સ્ટોલ ચલાવતા દિવ્યાંગ યુવક અનિલ બજરંગેએ આ અનોખા ટી સ્ટોલ વિશે કહયું હતું કે 'હું અહીં સ્મશાનમાં આવીને વાંચવા બેસતો હતો. ભુતપ્રેતની બહુ વાતો સાંભળી હતી, પણ મને અહીં એવું કશું લાગ્યું નથી. હું બહુ ભણ્યો નથી. ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે ચાર મહિના પહેલા આ ટી સ્ટોલ શરૂ કર્યો છે. લોકોના મનમાંથી ભૂતપ્રેતનો ડર દૂર કરવા માટે ભૂતપ્રેતના નામ સાથે ચા અને ખાદ્ય પદાર્થોનાં નામ જોડયાં છે અને ટી સ્ટોલનું નામ 'ભયાનક' રાખ્યું છે. પહેલાં લોકોને આ નામ વાંચીને ગભરાટ થતો હતો, પણ હવે લોકોના મનમાંથી ડર દૂર થયો છે. અને હસતાં-હસતાં લોકો ચા પીએ છે. પહેલાં એક-બે કસ્ટમર આવતા હતા, આજે હું દિવસમાં સરેરાશ ૧પ૦ કપ ચા બનાવું છું બાકી કસ્ટમર આવે એ રીતે ચા બનાવતો હોઉં છું. હું એક જ કવોલીટીની ચા બનાવું છું જે લોકોને પસંદ પડે છે.'

ભયાનક ટી સ્ટોલ પર ચા પીવા આવેલા અશ્વિન રાઠોડે કહયું હતું કે 'મને આ બોર્ડ વાંચીને અજાયબી લાગે છે, પણ ચા સારી બનાવે છે, ટેસ્ટી હોય છે. અહીં સ્મશાન છે એટલે આવા અલગ નામથી ચા બનાવે છે એ નવાઇ લાગે છે.'

(11:52 am IST)