Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ગુજરાત સરકારને ખરીદવી છે ૪૦૦૦ ડિઝલ બસઃ NGTએ માંગ્યો રિપોર્ટ

વાહનથી ફેલાતા પ્રદુષણ અંગેના નિયમોનો ભંગ તો નથી થતો ને?

અમદાવાદનેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની પ્રમુખ બેન્ચે ગુજરાત સરકારને એક મહિનાની અંદર ૪,૦૦૦ BS-IV બસ ખરીદવા અંગનો રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટ અને વાહનથી ફેલાતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે કામ કરતા ટ્રિબ્યુનલના નિર્દેશોનો ભંગ કઈ રીતે નથી થતો તેનો જવાબ માગ્યો છે. મુસ્તાક કાદરી નામના વ્યકિતએ જરૂર વિના ૪,૦૦૦ બસ ખરીદવાના સરકારના નિર્ણય સામે ફરિયાદ કરતી અરજી કરતાં શુક્રવારે ટ્રિબ્યુનલે કારણદર્શક નોટિસ આપી જવાબ માગ્યો છે.

અગાઉના ઓર્ડર ટાંકતા ટ્રિબ્યુનલે કહ્યું, ''હકીકત એ છે કે ડીઝલ બસોની ખરીદી કરવી તે સુપ્રીમ કોર્ટે આપેલા એમ. સી. મહેતા   યુનિયન ઓફ ઈન્ડિયા અને ટ્રિબ્યુનલના અન્ય ચુકાદાઓનું ઉલ્લંદ્યન છે.'' ગયા વર્ષે ૫ ડિસેમ્બરે મુસ્તાક કાદરીની અરજી પર પ્રત્યુત્ત્।ર આપતાં ટ્રિબ્યુનલે રાજય સરકારને ૧૦ વર્ષથી જૂના ભારે વાહનોને હટાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશન પર પણ અંકુશ મૂકવાનો આદેશ કર્યો હતો. કાદરીએ કોર્ટને વિનંતી કરી હતી કે રાજય સરકારને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ડીઝલ વાહનો ખરીદતી રોકવામાં આવે. સાથે જ NGTને વિનંતી કરી હતી કે ૧૦ વર્ષથી જૂના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોને બંધ કરવા માટે રાજય સરકારને આદેશ કરે.

NGTએઆદેશ કર્યો હતો કે, નેશનલ કેપિટલ રિજન (NCR)માં ભારે વાહનોની અવર-જવર અને રજિસ્ટ્રેશન અંગેના નિયમો ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે. નવા ડીઝલ વાહનોની ખરીદી પર નિયંત્રણ મૂકતો આદેશ આપતાં ટ્રિબ્યુનલે ઇમર્જન્સી તેમજ જરૂરી સેવામાં વપરાતા ડીઝલ વાહનો માટે આંશિક રાહત આપી. આ વાહનો ૧૦ વર્ષ નહીં ૧૩ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાશે.

૨૦૧૨માં ગુજરાત હાઈકોર્ટે એક જાહેરહિતની અરજીનો ચૂકાદો આપતાં તમામ વાહનોને નેચરલ ગેસ પર ચલાવવા આદેશ આપ્યો હતો. આ ચૂકાદાને હજુ સુધી કોઈએ પડકાર્યો નથી. ચૂકાદાના ત્રણ વર્ષ બાદ હાઈકોર્ટે રસ્તા પર દોડતાં ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોને દૂર કરવા માટેનો પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી.

(10:32 am IST)