Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય શકે છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બેઠક

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઇ અટકળો તેજ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બંધબારણે યોજાયેલી બેઠકને લઇ કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત

અમદાવાદ, તા.૨૭ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં ફરી એકવાર આજે થોડી હલચલ જોવા મળી હતી. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી, જેને લઇને હવે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો ફરી એકવાર તેજ બની છે. આજની બેઠકને લઇ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. બીજીબાજુ, નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બંધબારણ યોજાયેલી બેઠકને લઇ કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. કારણ કે, કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરાવવા વિધાનસભા અધ્યક્ષ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂકયું છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બનાસકાંઠાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેમના સાથી ધવલસિંહ ઝાલા સાથે રાખી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં ૨૦ મિનિટ સુધી અલ્પેશ ઠાકોરે ચર્ચા કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની વાતને લઇ ફરી એકવાર ચર્ચા અને અટકળો તેજ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી અને હવે આજની નીતિન પટેલ સાથેની બેઠક બાદ કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવાની તેની ઝુંબેશ વધુ સઘન બનાવે તેવી પૂરી શકયતા છે ત્યારે તેવામાં અલ્પેશ અને નીતિન પટેલની મુલાકાત ખુબ જ મહત્વની માની શકાય અને આ મુલાકાત રાજનીતિના રંગમાં શું પરિવર્તન લાવે છે તેની પર હવે લોકોની નજર છે. જો કે, કોંગ્રેસમાં આજની બેઠકના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

(8:30 pm IST)