Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

દર્દીને સારવારના ૬૩૨૯૯ ૧૮ ટકા વ્યાજની સાથે મળ્યા

ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદોઃ ફરિયાદી ગ્રાહકને ખર્ચના ૪ હજાર અલગ ચૂકવી આપવા વીમા કંપનીને ફરમાન : ચુકાદો હવે માર્ગદર્શક બની રહેશે

અમદાવાદ,તા. ૨૮: વીમા કંપનીઓ દાવાની રકમ ચૂકવવી ના પડે તે માટે વિવિધ ઉપજાવી કાઢેલા અને વાહીયાત કારણ આપી ગ્રાહકોના દાવા નકારી કાઢે છે. વીમા કંપની વિરૂધ્ધ દાવો નકારવા માટે કઇ હદે નીચે ઉતરી શકે છે તેવો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગ્રાહક ફોરમે વીમા કંપનીને લપડાક મારી છે. અમદાવાદ શહેર (એડીશનલ) ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ડી. બી. નાયક અને સભ્યો શ્રીમતી કે. એસ. નાણાવટી અને શ્રીમતી કે. પી. મહેતાએ ઇન્સ્યોર્ડ દર્દી જીવરાજભાઇ વી.પટેલની ફરીયાદ મંજૂર કરીને વીમા કંપનીને રૂા. ૬૩,૨૯૯ તા.૨૦-૦૧-૨૦૧૫ થી વાર્ષિક ૧૮ ટકા વ્યાજ સાથે તેમજ ખર્ચના રૂા. ૪૦૦૦ અલગથી ફરિયાદી ગ્રાહકને ચુકવી આપવા ખૂબ મહત્વનો આદેશ કર્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, ગ્રાહક ફોરમનો આ ચુકાદો અન્ય ઇન્શ્યોર્ડ દર્દી ગ્રાહકો પણ ઘણો લાભકારી અને માર્ગદર્શક સાબિત થશે.     ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં વીમા કંપનીએ દાવો નકારવા માટે હદ બહાર જઇને બેફામ આક્ષેપો કર્યા છે. વીમા કંપનીના આક્ષેપના અર્થઘટન મુજબ, હોસ્પિટલ, ડૉકટર અને દર્દીએ મેળાપીપણું કરીને દર્દી હોસ્પિટલમાં એડમીટ ના થયા હોવા છતાં વીમાની રકમ મેળવવા બોગસ દાવો કર્યો હોવાના અતિશય ગંભીર આક્ષેપ સાચો નહી હોવાથી કાયદેસર રીતે ટકવાપાત્ર નથી. ઇન્સ્યોર્ડ દર્દી જીવરાજભાઇ પટેલ રૂા. ૧,૦૦,૦૦૦ ની આરોગ્ય વીમા પોલીસીથી સુરક્ષીત હતા. પોલીસીધારકે પ્રોસ્ટેટના ઓપરેશન માટે ડૉ.મનસુખ બી. પટેલની નંદનવન હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પ્રોસ્ટેટની સર્જરી કરાવી હતી. જેમાં કુલ રૂા. ૬૩,૨૯૯ ના મેડીકલ ખર્ચાઓ પરત મેળવવા ક્લેમ ફોર્મ ભર્યુ હતું. વીમા કંપની નિયુક્ત ઇન્વેસ્ટીગેટરે હોસ્પિટલમાં દર્દીને તપાસવા ગયા ત્યારે દર્દી ત્યાં મળી આવેલ નહી. ઇન્વેસ્ટીગેટરના રીપોર્ટના આધારે વીમા કંપનીએ પોલીસીની ટર્મ્સ એન્ડ કન્ડીશનના ક્લોઝ ૫.૮ અનુસાર  દર્દીએ પૂરતી વિગતો અને માહિતી જાહેર નહી કરી હોવાનું વાહિયાત કારણ રજૂ કરી ઇન્શ્યોર્ડ દર્દીનો દાવો નકારી કાઢયો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમનું ધ્યાન દોર્યું હતું કે, ફરિયાદી તરફથી તમામ મેડિકલ પેપર્સ, ફીની રિસીપ્ટ સહિતના દસ્તાવેજો કોર્ટના રેકર્ડ પર રજૂ કર્યા છે અને તે પરથી સાબિત થાય છે કે, ફરિયાદી ગ્રાહકે હોસ્પિટલમાં સર્જરી સારવાર કરાવી છે. વળી, વીમા કંપનીના ઇન્વેસટીગેટરે હોસ્પિટલની મુલાકાત દરમ્યાન ફરજ ઉપરના જવાબદાર ડૉકટર, સ્ટાફ કે નર્સના લેખિત નિવેદનો લીધા નથી. સારવાર કરનાર ડૉકટરે દર્દીની તરફેણમાં સર્ટીફીકેટ આપ્યુ છે કે, દર્દી હોસ્પિટલમાં ટેરેસ ઉપર પગ જકડાઇ જવાથી તબીબી સૂચનાથી ચાલવા ગયા હતા. આ કેસમાં વીમા કંપનીના ઇન્વેસ્ટીગેટરનું સોગંદનામુ નથી. આમ, ઇન્વેસ્ટીગેટરની રજુઆત અને વીમા કંપનીનો દાવો નકારવાનો નિર્ણય માની શકાય નહી અને વીમેદાર દર્દી તબીબી સારવારનો પૂરો ખર્ચ મેળવવા હક્કદાર છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આ દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક ફોરમે ઉપરોકત મહત્વનો ચુકાદો આપી ફરિયાદી ગ્રાહકને ૧૮ ટકા વ્યાજ સાથે સારવાર ખર્ચ ૬૩૨૯૯ અપાવતો હુકમ કર્યો હતો.

(10:11 pm IST)