Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભાજપ કાર્યકરો દ્વારા પૂતળા દહન થતાં ઠુમ્મરની ફરિયાદ

વાઘાણી પર ઠુમ્મરની ટિપ્પણીથી ભાજપમાં રોષઃ પરેશ ધાનાણી દ્વારા ભાજપનાં કાર્યકરો સામે પગલા લેવા પોલીસને અનુરોધ કર્યો : વિવાદાસ્પદ ટિપ્પણીથી હોબાળો

અમદાવાદ,તા. ૨૮: ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરનાં પૂતળા દહન મામલે ભાજપનાં કાર્યકરો સામે વિરજી ઠુમ્મરે અમરેલી જિલ્લા પોલીસ વડા(એસપી) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તો, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપનાં કાર્યકરો સામે પગલા લેવા પોલીસને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર તાજેતરમાં વિવાદીત નિવેદન આપ્યા બાદ ભાજપનાં કાર્યકર્તાઓએ વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કર્યું હતું અને જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેને લઇ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પરેશ ધાનાણીએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અંગે આપેલાં વિવાદાસ્પદ નિવેદનને લઇ ગઇકાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે વીરજી ઠુમ્મરનાં નિવેદનનો વિરોધ કરવા માટે ભાજપનાં અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતાં. ભાજપનાં આ કાર્યકર્તાઓએ ત્યાં ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેને લઇ રાજકીય ગરમાવો આવી ગયો હતો. ભાજપનાં આ વિરોધ પ્રદર્શન વખતે મહત્વની બાબત તો એ હતી કે એવાં સમયે ઘટના સ્થળે ભાજપ અને કોંગ્રેસનાં અનેક કાર્યકર્તાઓ આમને સામને આવી ગયાં હતાં. પરિણામે કોંગ્રેસ ભવન એક પ્રકારે સમરાંગણ બની ગયું હોય તેવા કંઇક દ્રશ્યો સર્જાયા હતા. બંને પક્ષનાં કાર્યકર્તાઓ આમને સામને આવી જતા ઝપાઝપી પણ થઇ હતી જેને લઇને ઘટના સ્થળે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. આ કાર્યકર્તાઓને છોડાવવા માટે પોલીસે દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. ભાજપે એવી માંગણી કરી છે કે વીરજી ઠુમ્મર જીતુ વાઘાણીની માફી માંગે. તો બીજીબાજુ,  ભાજપના કાર્યકરો દ્વારા વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કરાયું હોવાંની પણ ઘટના સામે આવતાં ઠુમ્મર ભારે નારાજ થયા હતા. તેમણે ભાજપનાં કાર્યકરો વિરૂદ્ધ અમરેલી એસપીને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે, ભાજપ વીરજી ઠુમ્મર વાઘાણીની માફી માંગે તેવી પોતાની માંગણી પર મક્કમ છે, મામલાથી રાજકીય વિવાદ વકર્યો છે.

(9:53 pm IST)