Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધોરણ 10નું પરિણામ:ગુજરાતીઓ અંગ્રેજીમાં પાવરફુલ:પરિણામ ગુજરાતી કરતાં ઊંચું !!

અમદાવાદ :આજે જાહેર થયેલા ધોરણ-10ની પરીક્ષાના પરિણામમાં ગુજરાતી ભાષા જાણે કાચી પડી છે. એસએસસીના પરિણામમાં ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી વિષયનું પરિણામ ઉંચુ આવ્યું છે. 

     ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે.રાજ્યનું એકંદરે પરિણામ 67.50 ટકા નોંધાયું છે. વિષય દીઠ પરિણામ મુજબ સૌથી ઓછું 68.26 ટકા ગણિતનું પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ પરિણામ અંગ્રેજી વિષયનું 95.62 ટકા નોંધાયું છે.ચોંકાવનારી વિગત એ છે કે અંગ્રેજી વિષયનું પરિણામ ગુજરાતી કરતાં પણ ઓછું જોવા મળ્યું છે. જે ફરી એકવાર ગુજરાતી ભાષાને લઇને ચિંતા કરવાનાર છે. 

   ગુજરાતી પ્રથમ ભાષાની પરીક્ષા આપનારા 6,99,646 છાત્રો પૈકી 5,92,968 છાત્રો પ્રમાણપત્ર મેળવવા માટે ઉત્તીર્ણ થતાં સરેરાશ પરિણામ 84.75 ટકા નોંધાયું છે. જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં પરીક્ષામાં બેસનારા 66,693 પૈકી 63,769 છાત્રો પ્રમાણપત્ર મેળવવા પાત્ર થતાં સરેરાશ 95.62 ટકા નોંધાયું છે. જે તમામ વિષયોમાં સૌથી વધુ છે.

  સોશિયલ સાયન્સનું સરેરાશ પરિણામ 85.77 ટકા આવ્યું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનું સરેરાશ પરિણામ 71.42 ટકા નોંધાયું છે. ગણિત વિષયનું સરેરાશ પરિણામ 68.26 ટકા, સંસ્કૃત વિષયનું પરિણામ 82.76 ટકા તો હિન્દી વિષયનું પરિણામ 88.11 ટકા નોંધાયું છે. 

   ગુજરાતી ભાષાનું પરિણામ અંગ્રેજીની સરખામણીએ ઓછું તો છે સાથોસાથ  અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં સારો દેખાવ કર્યો છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં નબળા પડ્યા છે. ગુજરાતી સેકન્ડ ભાષાનું સરેરાશ પરિણામ 94.02 ટકા નોંધાયું છે જ્યારે અંગ્રેજી સેકન્ડ ભાષાનું પરિણામ 71.21 ટકા નોંધાયું છે

(3:20 pm IST)