Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

અમદાવાદમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને : પ્રજામાં રોષ

પેટ્રોલ ૭૫ અને ડિઝલ સૌ પ્રથમવાર ૭૦ને પાર : પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચતા લોકોમાં આક્રોશ : પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા માંગણી

અમદાવાદ,તા. ૨૮ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં અને સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજેરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં ડીઝલનો ભાવ ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ.૭૦ને પાર કરી ગયો હતો. અમદાવાદમાં આજે ડીઝલ ૭૦.૬૪ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતુ, જ્યારે શેલના પેટ્રોલ પંપો પર પેટ્રોલ રેકોર્ડતોડ રૂ.૭૫.૯ પ્રતિ લિટરના ભાવે અને આઇઓસીના પેટ્રોલપંપો પર રૂ. ૭૩.૭૭ પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતુ. પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવોને જોઇને પ્રજામાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. રાજય સરકાર સહિત કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડિઝલમાં આટલી હદના રેકોર્ડ તોડ ભાવવધારા છતાં તેને અંકુશમાં લેવાના કોઇ સક્રિય પ્રયાસો નહી થતાં લોકોમાં ભારોભારો રોષ પ્રવર્તી રહ્યો છે. બીજીબાજુ, પેટ્રોલ-ડિઝલને હજુ સુધી જીએસટી હેઠળ આવરી નહી લેવાતાં પણ ભાવવધારો બેકાબૂ બન્યો છે.    પેટ્રોલ-ડિઝલમાં રેકોર્ડ તોડ અને સામાન્ય જનતા માટે અસહ્ય એવા ભાવવધારાનો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જોરદાર વિરોધ નોંધાવતાં જણાવ્યું છે કે, જો કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલનો તાત્કાલિક જીએસટીમાં સમાવેશ નહી  કરે તો, લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાર ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરી ગ્રાહક મતદારોને ચૂંટણીમાં કોઇપણ પક્ષના ઉમેદવારોને મત નહી આપવા નોટાનું એલાન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકહિત વિરોધી નીતિના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવો બેકાબૂ બન્યા છે. આટલી હદના ભાવોમાં નાગરિકોને તેમના વાહનોમાં કોઇપણ રીતે પેટ્રોલ-ડિઝલ પૂરાવવું પરવડે તેમ નથી તેમછતાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર શા માટે પ્રજાહિતમાં પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવોને નિયંત્રણમાં લેવા કોઇ નક્કર પગલા લેતી નથી. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદમાં આખોય એપ્રિલ મહિનો પેટ્રોલ ૭૩ રૂપિયાથી નીચે ઉતર્યું જ નથી. પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજેરોજ બદલાય છે, ત્યારે તેમાં ઘટાડો માંડ ત્રણ-ચાર પૈસાનો આવે છે, પરંતુ વધારો હંમેશા તેનાથી બમણો કે ત્રણ ગણો જ થાય છે. કેન્દ્ર સરકાર એક લિટર ડિઝલના વેચાણ પર રૂ.૧૫.૩૩ એક્સાઇઝ ડયુટી વસૂલે છે અને રાજય સરકાર રૂ.૧૪નો વેટ વસૂલ કરે છે. આ જ પ્રકારે કેન્દ્ર સરકાર પેટ્રોલના વેચાણ પર રૂ.૧૯.૪૮ની એક્સાઇઝ ડયુટી અને ગુજરાત સરકાર રૂ.૧૫નો વેટ વસૂલ કરે છે. આમ, બંને સરકારો નિર્દોષ પ્રજાજનોનું લોહી ચૂસી રહી છે. આગામી દિવસોમાં હવે નોટાની લડત વેગવંતી બનાવાશે.      ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં ૭૭.૩૨ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઇમાં ૭૭.૪૩ રૂપિયા પ્રતિ લિટર જ્યારે મુંબઈમાં તો રેકોર્ડતોડ ૮૨.૪૮ રૂપિયા પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં ડીઝલ ૬૫.૯૩ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં ૬૮.૬૩ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૭૦.૨૦ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ચેન્નાઇમાં ૬૯.૫૬ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ડીઝલ વેચાઈ રહ્યું છે. ૨૦૧૪ પછી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવ સાવ તળીયે આવી ગયા હતા. જો કે, મોદી સરકારે તે વખતે તે ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાને બદલે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ વધારો કરી તગડી કમાણી કરી લીધી હતી. આજે જ્યારે હવે ક્રુડના ભાવ વધ્યા છે ત્યારે સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા તૈયાર નથી. એટલું જ નહી, એક તરફ સરકાર જીએસટીનો ખૂબ જ પ્રચાર-પ્રસાર કરી રહી છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલને જ તેમાંથી બાકાત રખાયા છે. વાસ્તવિકતા એ છે કે, જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં આવરી લેવાય તો તેમની કિંમત અડધોઅડધ થઈ જાય, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર પોતાની મલાઈ છોડવા તૈયાર નથી, અને તેમાં દેશના સામાન્ય લોકો પિસાઈ રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવોની આગ સામાન્ય માણસને દઝાડી રહી છે છતાં સરકારને તે વેદના સમજાતી નથી.

(6:57 pm IST)