Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોંગી ધારાસભ્યને ભાજપની ઓફર બાદ ગૃહમાં હોબાળો

બજેટ સત્રમાં ચર્ચા વેળા સામ સામે આક્ષેપબાજી : કેટલાક ધારાસભ્ય સંપર્કમાં હોવાનો જીતુભાઈનો ઘટસ્ફોટ

અમદાવાદ, તા. ૨૮ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ગાળા દરમિયાન આજે આઉટસોર્સિંગના નિવેદનને લઇને ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોના વળતા આક્ષેપો થયા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ ધારાસભ્યને જ પાર્ટી બદલી નાંખવાની ઓફર આપી હતી. પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહને કહ્યું હતું કે, જો તમે ઇચ્છો તો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકો છો. આ વિવાદમાં ભાજપ અધ્યક્ષ અને કોંગ્રેસના બીજા ધારાસભ્યો આવી જતાં આની ચર્ચા રહી હતી. ગુજરાત વિધાનસભામાં શુક્રવારના દિવસે બજેટ સત્ર દરમિયાન ચર્ચા ચાલી રહી હતી.  ગાળા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પૂર્ણરીતે આઉટસોર્સિંગથી ચાલી રહી છે. ભાજપે કોંગ્રેસના અનેક ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરીને સરકારમાં મંત્રી બનાવ્યા છે.

         કોંગ્રેસ ધારાસભ્યના આ આક્ષેપ પર જાડેજાએ કહ્યું હતું કે, જો ઇચ્છા હોય તો ગુલાબસિંહ પણ ભાજપમાં સામેલ થઇ શકે છે અને મંત્રી બની શકે છે. પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા આ નિવેદનને કોંગ્રેસ ધારાસભ્યો માટે ખુલ્લી ઓફર તરીકે માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં આશરે એક ડઝનથી વધુ કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બની ચુક્યા છે. હકીકતમાં અલ્પેશ ઠાકોર પણ મંત્રીપદની લાલચમાં પણ ભાજપમાં સામેલ થયા હતા પરંતુ પેટાચૂંટણીમાં હારી જતા તેમનું સપનું અધુરુ રહી ચુક્યું છે. ઓગસ્ટ ૨૦૧૭માં કોંગ્રેસના વરિષ્ઠ અહેમદ પટેલના રાજ્યસભા ચૂંટણી દરમિયાન જોરદાર ખેંચતાણ થઇ હતી. એક એક વોટ માટે ભાજપ અને કોંગ્રેસે તાકાત લગાવી દીધી હતી.

        ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ વિવાદના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કેસ્ કેટલાક ધારાસભ્ય સંપર્કમાં છે અને બીજા આવવા ઇચ્છે તો આવી શકે છે. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ગેનીબેન ઠાકોરે વળતા આક્ષેપ કરતા કહ્યું હતું કે, હવે કોંગ્રેસમાંથી કોઇપણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે નહીં. ગુજરાતથી રાજ્યસભાની ચાર સીટો ખાલી થનાર છે જેમાં ભાજપની ત્રણ અને કોંગ્રેસની એક સીટ છે. રાજ્યસભાની ચૂંટણીના ગણિતથી કોંગ્રેસ પાર્ટીને આશા છે કે, બે સીટો ઉપર તેની જીત થશે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પાર્ટીના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ મુખ્ય દાવેદાર તરીકે છે જ્યારે ભાજપ તરફથી શંભુપ્રસાદ રાજ્યસભામાં મોકલવામાં આવી કે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું છે કે, રાજ્યસભાની એક સીટ માટે ૩૮.૩ મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે બે સીટ માટે પુરતા મત છે.

(9:24 pm IST)