Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અમદાવાદમાં મેલેરિયાના રોજ ૧૫, ડેંગ્યુના ૮ કેસો

રાજ્યમાં ડેંગ્યુના ૩૬, સ્વાઈન ફ્લુના રોજ ૧૦ કેસ : વિધાનસભામાં મહત્વની માહિતી અપાઈ : અમદાવાદમાં એક વર્ષના ગાળામાં સ્વાઈન ફ્લુના ૨૨૮૯ કેસો નોંધયા

અમદાવાદ, તા. ૨૮ : રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોધાયો છે. આંકડા દર્શાવે છે કે, દરરોજ મેલેરિયાના ૪૯ અને ડેંગ્યુના ૩૬ કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્ય વિધાનસભામાં અંગેના આંકડા હાલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિધાનસભામાં મચ્છરજન્ય રોગો અને સ્વાઈન ફ્લુના આંકડા તથા કોંગો ફિવરના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા છે. ડેટા દર્શાવે છે કે, પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ગુજરાતમાં દરરોજ મેલેરિયાના ૪૯, ડેંગ્યુના ૩૬ અને સ્વાઈન ફ્લુના ૧૦ કેસો બની રહ્યા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, છેલ્લા બે કેલેન્ડર વર્ષના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૨૫૧ લોકોના મોત થયા છે જ્યારે ડેંગ્યુના કારણે ૨૨ લોકોના મોત થયા છે.

       આવી રીતે કોંગો ફિવરના લીધે ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરના સંદર્ભમાં પણ આંકડા આપવામાં આવી ચુક્યા છે જે દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં મેલેરિયાના દરરોજ ૧૫ કેસો અને ડેંગ્યુના કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના અમદાવાદ શહેરમાં દરરોજ કેસો નોંધાઈ રહ્યા છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચેના ગાળામાં તમામ આંકડા નોંધાયેલા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા કહ્યું છે કે, ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, મેલેરિયાના કેસો નોંધાયા છે કારણ કે, લોકો દ્વારા બિનઆરોગ્યપ્રદ લાઇફ સ્ટાઇલ અપનાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ અને મેલેરિયાના કેસોમાં વધારા માટે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ છે.

       રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ લેબોરેટરી રચના કરવામાં આવી ચુકી છે. મેડિકલ પ્રેક્ટિસનરોનું કહેવું છે કે, છેલ્લા થોડાક વર્ષના ગાળામાં બે કારણોથી આંકડાઓ વધ્યા છે. આનું કારણ છે કે, એકબાજુ આંકડાઓ વ્યવસ્થિતરીતે રજૂ થઇ રહ્યા છે. બીજી બાજુ ૨૦૧૮ની તુલનામાં વર્ષ ૨૦૧૯માં ડેંગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થયો છે. મૃત્યુદરમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. જો કે, હાલના સમયમાં પગલાઓના લીધે રોગચાળા પર અંકુશ મુકવામાં સફળતા મળી છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એક વર્ષના ગાળામાં સ્વાઈન ફ્લુથી ૫૫ના મોત થયા છે જ્યારે ડેંગ્યુથી ૧૭ મોત થઇ ચુક્યા છે. આવી રીતે કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ગાળા દરમિયાન સ્વાઇન ફ્લુના ૨૨૮૯ કેસો નોંધાઈ ચુક્યા છે.

(8:25 pm IST)