Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

AMTSનું કુલ ૪૯૮.૨૦ કરોડનું મંજુર કરાયેલુ બજેટ

એએમટીએસની ૮૦૦ મળી ૧૬૫૦ બસો દોડશે : લોકો માટે બસની ફ્રિકવન્સી અને ઉપલબ્ધતા સરળ બનશે ટ્રાન્સપોર્ટ મેનેજરની ખાલી જગ્યાને ભરવા ફરીવાર ઠરાવ

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રેવન્યુ ખર્ચ રૂ.૪૮૫.૩૮ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ. ૧૨.૮૨ કરોડ મળીને કુલ રૂ.૪૯૮.૨૦ કરોડનું બજેટ આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજરે મૂકેલા રૂ.૪૯૮.૨૦ કરોડના બજેટમાં ટ્રાન્સપોર્ટ કમીટીએ કોઇ સુધારો વધારો સૂચવ્યો ન હતો, અલબત્ત, વહીવટી સુધારણાની મહત્વની ભલામણો કરાઇ છે. સાથે સાથે ફરી એકવા એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની વર્ષોથી ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક નિમણૂંક માટે બજેટમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આમ, આજે એએમટીેસનું કુલ રૂ.૪૯૮.૨૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું. જેથી  કરોડનું મંજૂર થયું હતું.

         એએમટીએસના બજેટ અંગે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનું આયોજન છે, જેને લઇ શહેરીજનોને સારી અને અસરકારક બસ સેવા પ્રાપ્ય બનશે. ખાસ કરીને નાગરિકોને બસોની ફ્રિકવન્સી અને ઉપલબ્ધતા સરળ બનશે. એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ એએમટીએસ અને બીઆરટીએસ બંને સંસ્થાઓની મળી કુલ ૯૫૦થી વધુ બસો શહેરમાં ઓપરેશનમાં છે, જો કે, આવનારા વર્ષમાં એએમટીએસ બસની કુલ ૮૦૦ અને બીઆરટીએસની કુલ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ બસો ઓપરેશનમાં મૂકવામાં આવશે.

        આમ, આગામી વર્ષોમાં બસોની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થવાનો છે. નોંધનીય વાત એ છે કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા કુલ ૮૦૦ બસોના બજેટમાં ૭૦૦ બસો પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા ગ્રોસ કોસ્ટથી પૂરી પાડવામાં આવશે. તેમણે એ મુદ્દે ભાર મૂકતાં જણાવ્યું કે, એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની સ્ટેચ્યુટરી પોસ્ટ છેલ્લા ઘણા સમયથી ખાલી છે, મ્યુનિસિપલ કમિશનર વર્ષોથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટ્રાન્પોર્ટ મેનેજર તરીકેની વધારાની જવાબદારી સોંપી કામ ચલાવી રહ્યા છે પરંતુ એએમટીએસ જેવી સેવાકીય સંસ્થાના વડા તરીકે ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ખાલી રહે તે કોઇપણ રીતે ઉચિત જણાતું નથી અને તેના કારણે સંસ્થાના વિભાગોની કામગીરી પર પણ અસર થાય છે.

        આ સંજોગોમાં શકય એટલી ઝડપથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂંક કરવા ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સને તા.૧-૪-૧૯૪૭થી થયેલી એએમટીએસ એ દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ સેવા હતી, જે છેલ્લા ૭૨ વર્ષોથી સતત કાર્યરત છે. શહેરના નગરજનોની સેવા માટે એક સમયે ૩૮ રૂટો પર ૧૧૨ બસોની સેવા ઉપલબ્ધ હતી, જેની સામે આજે શહેરમાં વધેલા વિસ્તાર ૪૭૦ કિ.મી.ને ધ્યાનમાં રાખીને ખાનગી ઓપરેટરોની ૬૦૬ બસો અને અમ્યુટ્રાસની ૧૩૫ બસો મળી કુલ ૭૦૦થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. રોજના સાડા પાંચ લાખથી વધુ નાગરિકો એએમટીએસ બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. એએમટીએસના હાલ ૧૫૦ ઓપરેશનલ રૂટો સંચાલનમાં છે.

તમામ ડેપો, ટર્મિનસ પર સીસીટીવી કેમેરા લાગશે

અમદાવાદ, તા. ૨૮ : અમદાવાદ શહેરમાં ઐતિહાસિક અને જોવાલાયક સ્થળોની મુલાકાત માટે એએમટીએસ તરફથી લાલદરવાજા, સારંગપુર, મણિનગર તેમ જ વાડજ ટર્મિનસ પરથી બસ દીઠ મહત્તમ આઠ કલાક માટે રૂ.૫૦૦૦ના દરથી અગાઉથી બુકીંગ કરાવીને બસની સુવિધા પૂરી પાડવાની જાહેરાત પણ એએમટીએસ ચેરમેન અતુલ ભાવસારે કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, શહેરમાં એએમટીએસના તમામ ડેપો અને બસ ટર્મિનસો પર લાગેલ સીસીટીવી કેમેરા અપગ્રેડ કરવા અને જયાં ના હોય ત્યાં નવા સીસીટીવી કેમેરા લગાવવાનું ઠરાવવામાં આવ્યું છે. આ માટે બજેટમાં રૂ.૩૦ લાખની ફાળવણી કરવામાં આવી છે.

AMTS બજેટ વિશેષતા

મેમનગર ડેપો, નવરંગપુરા ટર્મિનસ વિકસાવાશે

        એએમટીએસ ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટમાંથી જે કામો કરવાનું ઠરાવવામાં આવ્યું છે, તેમાં મેમનગર ડેપોમાં ડેપો બિલ્ડીંગ તેમ જ આરસીસી રોડ બનાવવા સહિત રૂ.૨.૫૦ કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્ય હાથ ધરાશે. આ જ પ્રકારે નવરંગપુરા બસ ટર્મિનસને પણ રૂ.૫૦ લાખના ખર્ચે વિકસાવાશે. તો, ચાંદખેડા ખાતે સારથી બંગલો પાસે ટીપી સ્કીમ નં-૭૪ ફાઇનલ પ્લોટ નં-૧૨માં ૨૪૦૦ ચો.મી જગ્યામાં મ્યુનિસિપલ કમિશનરની વહીવટી મંજૂરી મળી હોઇ ત્યાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ ટર્મિનસ બનાવવામાં આવશે. ઉપરાંત, નિકોલ ભકિત સર્કલ પાસે ટીપી સ્કીમ નં-૧૧૯, ફાઇનલ પ્લોટ નં-૧૫૭માં ૧૬૦૦ ચો.મી ઓપન સ્પેસના હેતુવાળો પ્લોટ બસ ટર્મિનસ માટે એએમટીએસ માટે ફાળવવા મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી છે, તેના વિકાસ માટે પણ રૂ.૫૦ લાખની ફાળવણી કરાઇ છે.

મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સીસ્ટમ વિભાગની રચના કરાશે

        અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ)ના બજેટ અંગે ચેરમેન અતુલ ભાવસાર અને મેયર શ્રીમતી બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ(આઇટીએમએસ) પ્રોજેકટ અન્વયે બસોના રોજીંદા સંચાલન અંગેના અનેક પ્રકારના રિપોર્ટસ નિયમિત રીતે મળતા હોય છે ત્યારે ફલીટ, ટ્રીપ, ઓફ રોડ બસ, ઓવરસ્પીડ, બ્રેક ડાઉન, ટ્રાફિક ઇન્કમ, બસોના ઉપડવાના તથા પહોંચવાના સમયની વિગત તેમ જ અન્ય રિપોર્ટનું એનાલિસીસ કરીને બસોના સંચાલન બાબતે ખૂબ જ મહત્વના નિર્ણય લઇ શકાય તેમ માટે એમઆઇએસ(મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સીસ્ટમ) વિભાગની ત્રણ માસમાં રચના કરવામાં આવશે.

            પ્રાઇવેટ ઓપરેટરોની બસોમાં તેઓને ટેન્ડરની શરતો પ્રમાણે જે શરતોનું પાલન કરવાનું હોય તે તેમ જ આઇટીએમએસ પ્રોેજેકટમાંથી પ્રોઇવેટ ઓપરેટરોની બસોના જે રિપોર્ટસ મળે છે તેના આધારે તેઓના પરફોર્મન્સ રિપોર્ટ દર ત્રણ મહિને કમીટી સમક્ષ મૂકવામાં આવશે, જેથી પારદર્શકતા વધશે. આ સિવાય રાહતભર્યા નિર્ણયમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં તેમ જ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અટીરા, ઇસરો, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ), કોમ્યુનીટી સાયન્સ સેન્ટર(સીએસસી) જેવી સંસ્થાઓના શૈક્ષણિક પ્રવાસ માટે રાહત દરે બસો આપવાનું ઠરાવાયું છે.

(7:43 pm IST)