Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઉમરેઠ તાલુકાના સુરેલી નજીક પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી માર મારનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

ઉમરેઠ: તાલુકાના સુરેલી ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ અને નણંદોએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને માર મારતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી રઈસાબાનુના લગ્ન સુરેલી ગામે જ રહેતા મોહસીનખાન પઠાણ સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે એક દીકરીનો જન્મ થયો હતો. દરમિયાન પતિ તેમજ નણંદ સાઈનબેન અને નસીમબેન દ્વારા ઘરના કામકાજ બાબતે વાંધા વચકા કાઢીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મૂકી હતી. પતિ અલવર ખાતે નોકરી કરતા હોય ગઈકાલે આવ્યા હતા અને બપોરના સુમારે દીકરીને રમાડવા માટે લઈ ગયા હતા. દરમિયાન રઈસાબાનુ પોતાની પુત્રીને લેવા જતાં પતિએ ઝઘડો કરીને કમરના ભાગે લાતો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

 

(5:41 pm IST)