Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે જામનગર કલેકટર DDOનું સન્માન

રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અંતર્ગત

જામનગર તા.૨૮ : ભારત દેશ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. દુનિયાના અનેક દેશમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી દેશની ચૂંટણી પ્રક્રિયાને લઇને આગવું સન્માન આપે છે, તેવું ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યએ ગાંધીનગર ખાતે આયોજિત રાજય કક્ષાના નેશનલ વોટરર્સ ડેની ઉજવણીમાં જણાવ્યું હતું.

કાર્યક્રમના આરંભે રાજયના મુખ્ય નિર્વાચન અઘિકારી ર્ડા. એસ. મુરલીકિષ્ણાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ તા ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ને સમગ્ર દેશમાં નેશનલ વોટરર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૦ મો નેશનલ વોટરર્સ  ડે ઉજવાઇ રહ્યો છે. કાર્યક્રમના અંતે આભારવિઘી ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ કરી હતી.

આ પ્રસંગે ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અઘિકારીઓ, કર્મચારીઓનું રાજયપાલના હસ્તે પ્રમાણપત્ર અને ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર રવિશંકરને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી  અને નાયબ જિલ્લા વિકાસ અઘિકારીશ્રી અફસાના યુ.મકવાને જિલ્લા નોડલ ઓફિસર (સ્વીપ) માટેની કામગીરી માટે સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ભારતીય ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એ.કે.જોતિ, રાજયના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી બલવંતસિંગ, રાજય ચૂંટણી આયોગના કમિશનર સંજીવપ્રસાદ, રાજયના અધિક મુખ્ય નિર્વાચન અઘિકારી શ્રી અશોક માણેક સહિત અધિકારી-કર્મચારીઓ અને મતદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:13 pm IST)