Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ચાલુ નોકરી પર નશો કરતા આણંદના કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:શહેરના પોલીસ મથકમાં ગઇ કાલે રાત્રીનાં ફરજ બજાવતા મથકના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં પી.એસ.ઓ. સાથે ગેરવર્તણૂંક કરતા ખુદ પોલીસે પોલીસ સામે ફરિયાદ નોંધી છે.

 

આણંદ શહેર પોલીસ મથકે ગતરોજ ફરજ ઉપર મથકનાં હેડ કોન્સ્ટેબલ ભઇલાલભાઇ કીલાભાઇ વાઘેલા દારૂ પીને પોતાની ફરજ ઉપર હાજર થયા હતા અને મથક ઉપર ફરજ બજાવતા એ.એસ.આઇ. શંકરભાઇ શિવાભાઇ સાથે કોઇક વિષયે જીભાજોડી કરતા હતાં. આથી શંકરભાઇએ આણંદ જીલ્લા કંટ્રોલમાં ફોન કરીને કંટ્રોલ ઇન્ચાર્જ કાલુમીયા મલેકને જાણ કરી હતી. જેના પગલે રાત્રીનાં ૧૧-૩૦ કલાકે કંટ્રોલ દ્વારા ટાઉન પી.આઇ. વી.ડી. મંડોરાને ફરિયાદ આપી હતી.
જેથી આણંદ પોલીસ મથકનાં પી.એસ.આઇ. એન કે ચૌહાણે તુર્તજ સ્થળ ઉપરથી રાજપાઠમાં રહેલા હેડ કોન્સ્ટેબલ ભઇલાલભાઇ વાઘેલાને ઝડપી પાડી દારૂ બંધીની કલમ હેઠળ ગેરવર્તણૂંકનો ગૂનો નોંધી દારૂબંધીની કલમ ૮૫ (૧) ૩, ૬૬ બી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સામે ખુદ પોલીસ ફરિયાદી બનતા પોલીસ સ્ટેશનમાં અટકળો જામી હતી.

(5:51 pm IST)