Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પોલીસ તંત્રમાં ઉચ્ચકક્ષાએ ધરખમ ફેરફારનો તખ્તો ગોઠવાઇ રહયો છે

ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર નિવૃત થતાં સાથે જ ગુજરાતને લાંબા વર્ષો બાદ ફુલ ટાઇમ ડીજીપી મળશે :શિવાનંદ ઝાને સુકાન સુપ્રત કરાશેઃ મોહન ઝા-એ.કે.સુરોલીયા : અને તેજપાલસિંઘ બિસ્ત માટે ડીજીપીની બઢતી માટે ઉજળા સંજોગોઃ જી.એસ.મલ્લિક વિ. સિનીયર કક્ષાના આઇજીપીઓને એડીશ્નલ ડીજી બનવાની તકઃ સુરત રેન્જનું સુકાન કોને સુપ્રત થશે? 'કોયડો': આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ હવે સમગ્ર પોલીસ તંત્ર સુધી પ્રસરી રહી છે

રાજકોટ, તા., ર૭: રાજય પોલીસ તંત્રમાં લાંબા સમય થયા ફુલ ટાઇમ ડીજીપીને બદલે ઇન્ચાર્જ ડીજીપીથી નિયમ વિરૂધ્ધ તંત્ર ચલાવવાના આરોપો સાથે હાઇકોર્ટમાં પબ્લીક ઇન્ટરેસ્ટની રીટ પીટીશન પુર્વ આઇપીએસ ઓફીસર રાહુલ શર્મા દ્વારા દાખલ થયેલી તે મામલામાં હાઇકોર્ટ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરીણામના દિવસે જ ચુકાદો જાહેર કરી બે માસમાં ફુલટાઇમ ડીજીપી મુકવા આદેશ કરતા હવે એ દિશામાં કાર્યવાહી કરવા તંત્ર સજ્જ થયું છે.

યોગાનુયોગ હાલના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારની નિવૃતી આડે બે માસનો સમય બાકી હોવાથી રાજય સરકારને પણ ફુલટાઇમ ડીજીપીની પસંદગી માટે પુરતો સમય હાઇકોર્ટની મુદત દરમિયાન મળવા સાથે રાજય પોલીસ તંત્રમાં બદલી-બઢતી સાથે મોટા ફેરફાર કરવાની તક મળી છે. આ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ પણ થયાનું ટોચના આઇપીએસ વર્તુળો માની રહયા છે. આઇપીએસ વર્તુળોમાં તથા જાણકાર અધિકારીઓમાં ચાલતી ચર્ચા મુજબ હાલના ઇન્ચાર્જ ડીજીપી પછી આમ તો સિનીયોરીટીની દ્રષ્ટિએ પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના જમાઇ એ.કે.પટનાયક મુખ્ય ડીજીપી પદના પ્રથમ દાવેદાર ગણાય. જો કે તેઓ વર્ષોથી દિલ્હીમાં ડેપ્યુટેશન પર વિવિધ બ્રાન્ચોમાં હોવાથી તેઓ અંગે કંઇ વિચારવાનું રહે નહી. આવા સંજોગોમાં ૧૯૮૩ બેચના ખુબ જ અનુભવી અને પોલીસ તંત્ર પર કંટ્રોલ રાખી શકે તેવા શિવાનંદ ઝા માટે મુખ્ય ડીજીપી બનવાના ઉજળા સંજોગો સર્જાયા છે.

અત્રે એ યાદ રહે કે રાજય પોલીસ તંત્રમાં આઇબી વડા શિવાનંદ ઝાની ગણતરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની ગુડસ બુકમાં નંબર વનના સ્થાને થઇ રહી છે. દિલ્હીના પોલીસ કમિશ્નર પદે તેમને ડેપ્યુટેશન પર મુકવાની ચર્ચાઓ માત્ર ચર્ચા તરીકે જ રહેવાને બદલે એ પેનલમાં તેમના નામનો સમાવેશ પણ થયેલો. આજ હકિકત સુચવે છે કે તેઓ કેટલા બધા વિશ્વાસુ છે. આના કારણે બીજી તમામ ચર્ચાઓ ગૌણ બની જાય છે.

હાલની પરિસ્થિતિએ ગીથા જૌહરી નિવૃત થયા બાદ ડીજીપી કક્ષાની એક જગ્યા ખાલી છે. જાન્યુઆરીના અંતે પ્રમોદકુમાર નિવૃત થતા વધુ એક ડીજીપીની જગ્યા ખાલી પડશે. સિનીયોરીટીની દ્રષ્ટિએ ૧૯૮પ બેચના એટીએસ વડા એ.કે.સુરોલીયા તથા રાજયના એડમન વડા મોહન ઝા ડીજીપી પદ માટે હક્કદાર બનશે. આ બંન્ને અધિકારીઓને ડીજીપી પદે બઢતી મળે તો બે સિનીયર આઇજી કક્ષાના અધિકારીઓને એડીશ્નલ ડીજીપી પદે બઢતી મળશે. સુરતના રેન્જ વડા અને રાજય પોલીસ તંત્રમાં કાર્યદક્ષ અને નિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા જી.એસ.મલ્લિક અને અન્ય એક આઇજી માટે એડીશ્નલ ડીજી બનવાના સંજોગો સર્જાશે.

જી.એસ.મલ્લિકને એડીશ્નલ ડીજીપી બનાવાય તો રાજય પોલીસ તંત્રની સૌથી અગત્યની અને સંવેદનશીલ અને સમગ્ર પોલીસ તંત્રની જેના પર આતુરતાભરી મીટ છે તેવી સુરત રેન્જ આઇજીની જગ્યાએ કોને મુકવા? તે પણ તંત્ર માટે કસોટીરૂપ બનશે. આ રેન્જ પર કંટ્રોલ રહે તો જ સાઉથ ગુજરાતમાં દારૂના ધંધા પર કંટ્રોલ રહી શકે. બીજા અર્થમાં પ્રોહીબીશનની નીતી તો જ સફળ થઇ શકે.

એક એવી ચર્ચા છે કે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને કોઇ પણ સંજોગોમાં રાજકોટથી બદલવામાં આવે તો તેઓના મુખ્યમંત્રી વિગેરે સાથેના સંબંધો તથા વિશ્વાસ ધ્યાને લઇ આ જગ્યા પર તેમનું નામ વિચારણામાં લઇ શકાય. આની સાથોસાથ સુરત રેન્જમાં ભુતકાળમાં અભુતપુર્વ કામગીરી બજાવી ગયેલા રાજયના ટેકનીકલ સેલના વડા આઇજી નરસિંહમા કોમારને પણ ફરી તક આપી રાજય સરકાર પોતાની દારૂબંધીની નીતી યથાવત રીતે જાળવી શકે.

(3:51 pm IST)