Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ડીજી આશિષ ભાટીયા - એડી. ડીજી શમશેરસિંઘ અને એડી. પોલીસ કમિશ્નર અશોક યાદવ મેરેથોન દોડમાં જોડાતા પોલીસ સ્ટાફનો ઉત્સાહ બેવડાયો

રાજકોટ, તા. ૨૭ :. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી મેરેથોન દોડમાં અંદાજે ૩૦૦૦ જેટલા પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો. આ મેરેથોન દોડની વિશિષ્ટતા એ હતી કે, આ મેરેથોન દોડમાં અમદાવાદના પોલીસ કમિશ્નર કે જેઓ આ ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવે છે. તેઓની ઈચ્છા મુજબ રાજ્યના ચાર આઈપીએસ અધિકારીઓ પણ હોંશે-હોંશે આ દોડમાં સામેલ થયા હતા.

એલ.એસ. સ્પોર્ટસ મેનેજમેન્ટ એન્ડ ઈવેન્ટ દ્વારા બી. સફલ અને અમદાવાદ પોલીસના સંયુકત ઉપક્રમે યોજાયેલ મેરેથોન દોડમાં જે ચાર આઈપીએસ ઓ સામેલ થયા તેમા અનેક વખત ૨૧ કિ.મી.ની અને તેથી વધુ મોટી દોડમાં સફળતાપૂર્વક ભાગ લઈ ચૂકેલા રાજ્યના એડી. ડીજીપી કક્ષાના શમશેરસિંઘની સાથોસાથ ડીજીપી કક્ષાના રાજ્યના કાર્યદક્ષ સીઆઈડી વડા આશિષ ભાટીયા પણ સ્ટાફને પ્રોત્સાહીત કરવા ૧૧ કિ.મી. સુધી દોડયા હતા. એસીબીના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી દોડનું અનોખુ આયોજન કરનાર આશિષ ભાટીયાએ એ સમયે પણ ભ્રષ્ટાચારીઓને પકડવા જે રીતે દોડ લગાવી હતી તે રીતે સ્ટાફને પ્રોત્સાહીત કરવા ભૂતકાળમાં ૨૧ કિ.મી. દોડ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જે મેરેથોન દોડ માટે સક્રીય રસ લઈ રહ્યા હોય તે સમયે ખૂબ જ શારીરિક-માનસિક સ્ફુર્તિ ધરાવતા કાર્યદક્ષ એડી. પોલીસ કમિશ્નર (સેકટર-૨) અશોકકુમાર યાદવ કેમ પાછળ રહે ? તેઓ પણ જે રીતે ૨૧ કિ.મી.ની દોડ પૂર્ણ કરી તે જોઈ તાબાનો સ્ટાફ ખુશખુશાલ બની ગયો હતો અને સ્ટાફને પણ દોડવામાં જોમ ચડયુ હતું. આ મેરેથોન દોડમાં ક્રાઈમ બ્રાન્ચના ૨૫૦ જેટલા સ્ટાફની સાથોસાથ ડીસીપી દીપેન ભદ્ર, ઝોન-૧ના ડે. પોલીસ કમિશ્નર દિવ્ય મિશ્રા તથા ઝોન-૫ ના ડીસીપી હિમકરસિંઘે ૨૧ કિ.મી.ની દોડ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આમ આ મેરેથોન દોડમાં ઉચ્ચ અધિકારીઓ સામેલ થવાથી તાબાના સ્ટાફને પણ શરીર સૌષ્ઠવ્યનંુ મહત્વ સમજાયુ હતું. ગુન્હેગારોને પકડવા આવી સ્ફુર્તિ પોલીસ માટે ખૂબ જરૂરી હોય છે.

(3:51 pm IST)