Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભરણપોષણ મેળવવા પ્રજ્ઞાચક્ષુ મહિલાએ ખાધા કોર્ટના ૯૯ ધક્કા

૭ વર્ષથી ચાલે છે કેસઃ ૧૦૦મી સુનાવણીઃ ગુંચવણભર્યો કેસઃ પિતાએ પણ દાવો માંડયો

અમદાવાદ તા. ૨૭ : મોનિકા ભાટીએ પાછલા ૭ વર્ષમાં ગાંધીનગરની સિવિલ કોર્ટના ૯૯ ધક્કા ખાધા છે. પ્રજ્ઞાચક્ષુ મોનિકાના પિતા શારીરિક રીતે અક્ષમ છે. મોનિકાએ પિતા પાસેથી ભરણપોષણની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે અને તેની સુનાવણી વર્ષોથી ચાલતી આવે છે.

૫મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ૩૦ વર્ષીય મોનિકાની કોર્ટમાં ૧૦૦મી સુનાવણી હશે. ગુજરાત હાઈકોર્ટ આ કેસમાં વચ્ચે પડીને નીચલી અદાલતને કેસની કાર્યવાહી ઝડપી કરવાનો આદેશ આપવાને કારણે બની શકે કે આ મોનિકાનો કોર્ટનો છેલ્લો ધક્કો હોય. ગુજરાત હાઈકોર્ટે ૬ અઠવાડિયામાં મોનિકાની અરજી પર અંતિમ ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં ૧૯૮૨થી પરિવારના સભ્યોએ કરેલા અલગ અલગ દાવાઓને કારણે ઘણી ગૂંચવણ ઉભી થઈ છે. ઘરની માલિકી પર પણ વિવાદ છે. સૌથી પહેલા મોનિકાના પિતા સામે તેમની પત્નીએ દાવો માંડ્યો હતો અને ફેમિલી કોર્ટે તેમને દર મહિને ૮૦ રૂપિયા ભરણપોષણના આપવાનો આદેશ આપ્યો હતો. થોડા વર્ષો પછી પતિ-પત્ની ભેગા થઈ ગયા અને કેસ કલોઝ થઈ ગયો.

પરિવાર અલગ થયો પછી ૨૦૧૦માં મોનિકાએ CrPCની કલમ ૧૨૫ અંતર્ગત પિતા સામે દાવો માંડ્યો. મોનિકાનું કહેવુ હતું કે તેના પિતા રબર મોલ્ડીંગનો વેપાર કરે છે અને પ્રતિમાસ ૫૦,૦૦૦ રૂપિયા તેમની આવક છે. બીજી બાજુ મોનિકાના પિતાએ મહેશ(મોનિકાના ભાઈ) સામે ભરણપોષણની માંગ કરી. ફેમિલી કોર્ટે ૨૦૧૪માં મહેશને આદેશ આપ્યો કે તે દર મહિને પિતા ભગવાનદાસને ૨૦૦૦ રુપિયા આપે, કારણકે તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી. આના કારણે મોનિકાનો કેસ વધારે લાંબો ખેંચાયો.

જયારે કેસની ૯૯ સુનાવણી થયા પછી પણ કોઈ ચુકાદો ન આવ્યો તો મોનિકાએ હાઈકોર્ટની મદદ માંગી. હાઈકોર્ટે આ કેસની તપાસ કરતાં ગાંધીનગરના વકીલોએ મોનિકાના આરોપો અને તેની અવારનવાર કેસને બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગની ફરિયાદ કરી. જસ્ટિસ જે.બી.પારદીવાલાએ પણ આ બાબતે જણાવ્યું કે, રિપોર્ટ જોઈને સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, ફરિયાદીએ જાતે જ પોતાના માટે સમસ્યા ઉભી કરી છે. હાઈકોર્ટે મોનિકાને સિવિલ કોર્ટને કો-ઓપરેટ કરવાનો આદેશ આપ્યો છે અને કોર્ટને પણ ૬ અઠવાડિયામાં તેની અરજી પર અંતિમ ચુકાદો આપવાનું જણાવ્યું છે.

(10:25 am IST)