Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ખેડામાં બે ગમખ્વાર અકસ્માતના બનાવો: બે એ ઘટનાસ્થળેજ દમ તોડ્યો: 5ને ગંભીર ઇજા

ખેડા:ખેડા-ધોળકા સીમ તેમજ હરીયાળા ગુરુકુળ નજીક સર્જાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં બેના મોત થયા હતા જ્યારે પાંચને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગોંડલમાં રહેતા કશ્યપ ઉર્ફે મુન્નો ઉપેન્દ્રભાઈ સરૈયા ગઈકાલે સુરતથી લક્ઝરી બસ નં. જીજે ૩૬ ટી ૮૫૦૭માં મુસાફરો ભરી રાજકોટ જવા નીકળ્યો હતો. આ લક્ઝરી બસ આજે વહેલી પરોઢીયે ખેડા-ધોળકા રોડ પરથી જઈ રહી હતી ત્યારે રઢુ સીમમાં સામેથી આવતી આઈશર નં. જીજે ૧૧ એચ ૮૯૨૩ સાથે લક્ઝરી બસ અથડાઈ હતી. જેથી બેને વાહનોના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ અકસ્માત સર્જાતા લક્ઝરી બસના ડ્રાઈવર કશ્યપભાઈ સરૈયા, ક્લીનર ઈરફાન સુમરા તથા મુસાફરોને ઈજા થઈ હતી. ત્યારે આઈશરના ચાલક ધર્મેશભાઈ રાજુભાઈ તલશાણીયા (ઉંમર ૨૫) વર્ષ રે. રાજકોટ)નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. 
જ્યારે અકસ્માતનો બીજો બનાવ ખેડા - અમદાવાદ હાઈવે ઉપર આવેલા હરીયાળા ગુરુકુળ સામે સર્જાયો હતો. જેમાં હરીયાળામાં રહેતા ઘનશ્યામભાઈ ઉદેસિંહ ચાવડા આજે સવારે પોણા બાર વાગ્યાના સુમારે મોટર સાયકલ નં. જીજે ૦૭ સીજે ૩૯૯૭ ઉપર પત્ની શારદાબેનને બેસાડી જઈ રહ્યો હતો ત્યારે ટ્રક નં. જીજે ૧ બીવાય૫૭૮૩ના ચાલકે રોંગ સાઈડે હંકારી મોટર સાયકલ સાથે અથડાવતા બાઈક પાછળ બેઠેલ શારદાબેન (ઉંમર ૪૧ વર્ષ) રોડ ઉપર પડી જતા તેઓના પર ટ્રકના તોતીંગ ટાયરો ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઘનશ્યામ ઉદેસિંહ ચાવડાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતના ત્રીજા બનાવની વિગત એવી છે કે સુરાશામળમાં રહેતા વિષ્ણુભાઈ દેસાઈભાઈ પરમાર ગત તા. ૨૪-૧૧-૨૦૧૮ના રોજ સંબંધીના મોટર સાયકલ નં. જીજે ૦૭ સીએમ ૯૩૦ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ઈચ્છાપુરા વળાંકમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલ વિષ્ણુભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિષ્ણુભાઈ દેસાઈભાઈ પરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)