Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

લશ્કરે તોયબા-જૈસે મહમદ સાથે નાતો ધરાવતો ફારૂક ગુજરાતમાં કોઇ ઉગ્રવાદી મિશન માટે તો ઘુસ્યો નથી ને?

પિતાનું મૃત્યુ થતા આવ્યાનું રટણ કરતો આ ફંડ મેેનજર અક્ષરધામ કેસ પુર્ણ થયો હોવાનું માની આવ્યાની પણ આશંકા : ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભગીરથસિંહ ગોહીલ દ્વારા મધરાત સુધી પુછપરછ થઇ

રાજકોટ, તા., ૨૭: વિશ્વ પ્રસિધ્ધ ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર હુમલા કેસમાં નાસતા-ફરતા આરોપી મહમદ ફારૂક મહમદ હનીફ શેખ (મૂળ રહે. અમદાવાદ, હાલ સાઉદી અરેબીયા)માં રહેતો આ શખ્સ ગુજરાત આવી રહયાની ચોક્કસ બાતમી આધારે એટીએસ તથા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા બાદ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના  મદદનીશ પોલીસ કમિશ્નર ભગીરથસિંહ વી.ગોહીલને સુપ્રત થતા જ તેઓએ મોડી રાત સુધી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો.

આરોપી ફારૂક આ અગાઉ આતંકવાદીઓના ફંડ મેનેજર બની કુવિખ્યાત આતંકવાદી સંગઠન જૈસે મહમદ તથા લશ્કરે તોયબાની સાથે રહી હોય આ સમયે પણ આવા કોઇ સંગઠનના ઇશારે ગુજરાતમાં ભાંગફોડ પ્રવૃતિ કે બીજા કોઇ ઇરાદે તો નથી આવ્યો નથીને? તે બાબત ક્રાઇમ બ્રાન્ચી તપાસમાં મહત્વની બની રહી છે.

આરોપી ફારૂકે ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમીક તપાસમાં તે ગુજરાત (અમદાવાદ) પિતાનું  નિધન થતા આવ્યાનું કહી રહયો છે પરંતુ અક્ષરધામ કેસના આ અગાઉના આરોપીઓ  નિર્દોષ છૂટી ગયા હોવાથી હવે તેને પણ કઇ થશે નહિ તેમ સમજી પોતાનો કેસ પુર્ણ કરવા અમદાવાદ આવ્યો હોવાની પાક્કી આશંકા છે. જો કે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ એવું જણાવે છેકે તેના વિરૂધ્ધ મજબુત પુરાવાની સાંકળો ગુંથી ચાર્જશીટ અદાલતમાં રજુ કરવામાં આવશે.

ગોધરાકાંડ સમયે ૨૦૦૨માં ગુજરાત રાજયમાં ફાટી નિકળેલ કોમી તોફાનોની વિડીયો કેસેટ બતાવી વિવિધ ત્રાસવાદી સંગઠનો જૈસે મહમદ તથા લશ્કરે તોયબાના આકાઓ સાથે મળી બદલો લેવા માટે આતંકવાદી પ્રવૃતિ માટે યુવાનોને શોધી આપવા  તથા તેમના માટે તમામ સગવડ તેના ભાઇની સાથે મળી મદદ કરેલ.

અત્રે યાદ રહે કે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને સંયુકત રીતે મળેલી બાતમી આધારે આ કુવિખ્યાત શખ્સને પકડવા માટે ક્રાઇમ  બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે.જી.ચૌધરી, પીએસઆઇ આઇ.એ.ઘાસુરા તથા એટીએસના પીએસઆઇ જે.એમ.ઝાલા તથા એએસઆઇ એચ.પી. પાલીયાનાઓની વિશિષ્ટ ટીમ બનાવી એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવેલ. 

(1:31 pm IST)