Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૨૫ દિનમાં ૩૮૦ કેસ થયા

સાદા મેલેરિયાના ૨૫ દિવસમાં ૪૧૮ કેસઃ ડેન્ગ્યુના માત્ર નવેમ્બર મહિનામાં ૧૨૧ કેસ સપાટી ઉપર ટાઇફોઇડના ૨૫૮ કેસો સપાટી પર આવતા સનસનાટી

અમદાવાદ, તા.૨૭, અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર ઘટાડો થવા પામેલો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરમા મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે જેમા આ માસમા ૨૫ દિવસની અંદર એડીસ ઈજીપ્તીથી ફેલાતા એવા ડેન્ગ્યુના ૧૨૧ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત ચીકનગુનીયાના ૨૧ જેટલા કેસ નોંધાવા પામતા તંત્રની બેદરકારી છતી થવા પામી છે. અમદાવાદ શહેરમાં આ માસમાં ટાઈફોઈડના કેસોમા એકાએક ચોંકાવનારો વધારો થવા પામ્યો છે.ઓકટોબર માસમાં ટાઈફોઈડના કેસ ૨૨૭ નોંધાવા પામ્યા હતા.જ્યારે આ માસમા અત્યાર સુધીમા કુલ ૨૫૮ જેટલા કેસો નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,છેલ્લા કેટલાક દિવસથી આવેલા હવામાનમા પલટાને લઈને અમદાવાદ શહેરમા સાંજ ઢળતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળતી હોય છે.આ પરિસ્થિતિ એ મચ્છરોના ઉપદ્રવ માટે ઘણી સાનુકુળ હોઈ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા મચ્છરોનો ઉપદ્રવ વધેલો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ મેલેરીયા વિભાગ તરફથી મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા કામગીરી કરવામા આવતી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમા આ માસની શરૃઆતથી ૨૫ દિવસની અંદર જ એડીસ ઈજીપ્તીને કારણે ડેન્ગ્યુના આ દિવસોમા કુલ મળીને ૧૨૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ચીકનગુનીયાના પણ ૨૧ જેટલા કેસો સપાટી ઉપર આવતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી બહાર આવવા પામી છે.આ સાથે આ દિવસોમા અમદાવાદના વિવિધ વિસ્તારોમા મેલેરીયાના ૪૧૮ જેટલા કેસ અને ઝેરી મેલેરીયાના કુલ ૧૩૮ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમા પાણીજન્ય એવા ઝાડા ઉલ્ટીના આ માસની શરૃઆતથી ૨૫ નવેમ્બર સુધીમા કુલ મળીને ૩૮૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.તો કમળાના પણ આ દિવસોમા ૧૯૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.સૌથી આઘાતજનક બાબત તો એ બહાર આવવા પામી છે કે,અમદાવાદ શહેરમાં ઓકટોબર માસમા ટાઈફોઈડના કુલ ૨૨૭ જેટલા કેસ નોંધાવા પામ્યા હતા.જેની તુલનામા આ માસમા માત્ર ૨૫ દિવસની અંદર જ ટાઈફોઈડના કુલ ૨૫૮ જેટલા કેસ નોંધાવા પામતા ગત માસ કરતા પણ આ માસમાં ટાઈફોઈડના કેસોની સંખ્યા વધી જવા પામી છે.આ સાથે જ આ માસમાં કોલેરાનો પણ એક કેસ નોંધાવા પામ્યો છે.આમ તંત્ર દ્વારા લાખ્ખો રૃપિયાના ખર્ચ પછી પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય એમ બંને પ્રકારના રોગના કેસોની સંખ્યામા ચિંતાજનક વધારો નોંધાવા પામ્યો છે.

 

(10:14 pm IST)