Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

તહેવાર પર અમદાવાદીઓની સુરક્ષા માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

200 નાકા બાંધી પોઇન્ટ, 90 PCR વાન, 78 હોક બાઇક અને 130 જેટલી ફૂટ પેટ્રોલિંગ ટિમો તૈનાત

અમદાવદ : દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. દિવાળીના વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરો આ તક નો લાભ લઇ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.

તો આકસ્મિક સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અને પોશ વિસ્તારમાં હાલના સમયમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ પણ વધારવા આવ્યું છે. આ ઉપરાંત પકડાયેલા અસામાજિક તત્વો અને ચોર ટોળકીની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.

એટલું જ નહીં આ વિસ્તારોમાં પોલીસે સોસાયટીના ચેરમેન સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે. પોલીસ આવાં મકાનો ઉપર ખાસ નજર રાખે છે જેથી કરીને ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. આ ઉપરાંત પોલીસ જ્યારે પણ પેટ્રોલિંગમાં નીકળે ત્યારે સોસાયટી, ફલેટોમાં જઈને એનાઉન્સમેન્ટ કરી લોકોને જરૂરી સૂચનાઓ આપી રહી છે.

ઘર ફોડ ચોરીના બનાવ અટકે તે માટે શું તકેદારી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પોલીસ સોસાયટી અને ફ્લેટના સભ્યો જોડે મીટીંગ કરી બહારગામ જતા લોકો જાણ કરવા કહ્યું છે. આ ઉપરાંત બજારો કે નાકા પોઇન્ટ પર હેલ્પ લાઇન નંબર મુકશે જેના ઉપયોગ નાગરિકો કરીને પોલીસની મદદ મેળવી શકે.

તૈયારીના ભાગ રૂપે 200 નાકા બાંધી પોઇન્ટ રાખવામાં આવ્યા છે. સાથે જ 90 PCR વાન રહેશે, 78 હોક બાઇકનો ઉપયોગ કરવામાં આવશે અને સવાર અને સાંજે 130 જેટલી ટિમો ફૂટ પેટ્રોલિંગ કરશે.

શહેરના કેટલાક પોશ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારોમાં કેટલાક છૂટાછવાયા બંગલાઓ પણ આવેલા છે. જ્યાં પોલીસ બાઈક પર પેટ્રોલિંગ કરી રહી છે. ઉપરાંત પોલીસ લોકોને એ પણ અપીલ કરી રહી છે કે, જ્યારે પણ કોઈ સ્થાનિક ઘર બંધ કરીને બહારગામ જાય છે તો પોતાનો કિંમતી સામાન અને રોકડ રકમ સલામત રીતે મૂકીને જાય. એટલે કે દિવાળીના પર્વ દરમિયાન તસ્કરો બેફામ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે

(10:16 pm IST)