Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

૧.૬૯ લાખ ગામની માટીથી વોલ ઓફ યુનિટી બનાવાઈ

વોલ ઓફ યુનિટી પણ એકતાનો સંદેશો આપશે : સ્ટેચ્યુ ઓફ યુનિટી નીચે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો સાથે નવી ટેકનોલોજી સાથેનું પ્રદર્શન તૈયાર કરાયું : મોદી નિહાળશે

અમદાવાદ, તા.૨૭ : દેશની એકતા અને અખંડતાને સુદ્રઢ બનાવવા સરદાર પટેલે સિંહફાળો આપ્યો હતો. જેને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા માટે કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, નોંધનીય વાત એ છે કે, દેશભરના ૧,૬૯,૦૭૮ ગામોમાંથી ખેડૂતોએ મોકલેલી માટી એકત્રીકરણ કરીને ઓ વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે એકતાની દિવાલ બની ખરા અર્થમાં એકતા અને અખંડિતતાનો સંદેશો વહેતો કરશે. તા.૩૧મી ઓકટોબરે સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રને અર્પણ કરશે. એ જ સમયે પ્રતિમાની નજીક દેશની એકતાના પ્રતિક સમી વિશાળ વોલ ઓફ યુનિટી બનાવાઈ છે, તેનું પણ લોકાર્પણ થશે. સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણે અને માણે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ચરણોમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેનું અદ્યતન ટેક્નોલોજી સાથેનું પ્રદર્શન પણ તૈયાર કરાયું છે, જે પ્રવાસીઓને માણવાનો અનેરો અવસર મળશે. આ અદ્યતન ટેક્નોલોજીવાળા પ્રદર્શનની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ઐતિહાસિક વિરાટ પ્રતિમાના નિર્માણનો સંકલ્પ કર્યો હતો. પ્રતિમા નિર્માણ માટે દેશભરના ગામડામાંથી ખેડૂતો અને નાગરિકોને રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમી આ પ્રતિમાના નિર્માણ સાથે જોતરવા માટે પ્રયાસ કર્યો હતો. દેશભરના વિવિધ રાજ્યોમાંથી ખેડૂતોના વપરાયેલા ખેત ઓજારનું લોખંડ અને ૧,૬૯,૦૭૮ ગામોમાંથી માટીનું એકત્રીકરણ કરાયું હતું. આ માટીને એક કરી એકતાના પ્રતિકરૂપે આ ઐતિહાસિક વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નીચે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેનું અદ્યતન ટેક્નોલોજી સાથેનું પ્રદર્શન તૈયાર કરાયું છે. જેમાં પ્રવાસીઓની જીજ્ઞાસા સંતોષશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકા (પેડસ્ટલ) ભાગમાં ૪,૬૪૭ ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પ્રદર્શનકક્ષ બનાવવામાં આવ્યો છે. જેમાં સરદાર સાહેબના જીવન વિશે, અંગ્રેજ સરકાર સામે સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડાઓના એકત્રીકરણ અંગે, શુળપાણેશ્વર-સેન્ચુરી, આદિજાતિ લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે, સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોને સવિસ્તર ફોટાઓ અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા બેનમૂન રીતે રજૂ કરાશે. જેને નિહાળવાનો અવસર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા આવનાર પ્રવાસીઓને પ્રાપ્ય બનશે, જે ખરેખર એક લ્હાવો હશે.

(8:33 pm IST)