Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમની આયોજન વ્યવસ્થા ચકાસતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ

કાર્યક્રમ સ્થળની એન્ટ્રીથી લઇને લોકાર્પણનાં કાર્યક્રમની રૂપરેખા મેળવી

અમદાવાદ :વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમાનાં રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ માટે કરાયેલી વ્યવસ્થાની જાતમાહિતી મેળવતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યક્રમ સ્થળની એન્ટ્રીથી લઇને, લોકાર્પણનાં કાર્યક્રમની રૂપરેખા મેળવી, અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

  મુખ્ય સચિવ સિંઘે પ્રતિમા અનાવરણની વિધિ સહિત એક ભારત - શ્રેષ્ઠ ભારતનું દર્શન કરાવતાં દેશભરનાં સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતા કલાકારો, ગૃપની મુવમેન્ટ સહિત સરદાર સાહેબની પ્રતિમાનું વડાપ્રધાન દ્વારા પૂજન-અર્ચન કરવાનાં કાર્યક્રમની પણ સૂક્ષ્‍મ વિગતો મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમ માટે પધારનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતનાં મહાનુભાવોની અવર-જવર, વાહન વ્યવસ્થા સહિતની ઝીણવટભરી વિગતો મેળવી મુખ્ય સચિવએ પાર્કિંગ એરીયા વગેરે સ્થળે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી દાખવવા પણ સૂચના આપી હતી.

  મહાનુભાવોની ભોજન વ્યવસ્થા સહિત વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સીટી, વોલ ઓફ યુનિટી, ફીટ ઓફ ડન્ટર, મ્યુઝીયમ સહિતનાં આયોજિત કાર્યક્રમની સુક્ષ્‍માતિસુક્ષ્‍મ વિગતો મેળવી હતી. કેવડીયા કોલોની ખાતેના સરકીટ હાઉસ ખાતે યોજાયેલી આ રાજ્યસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ જે.એન. સિંઘ સહિત વરિષ્ઠ સનદી અધિકારીઓ સર્વ એસ.જે. હૈદર, સંગીતા સીંગ, જેનુ દેવન, કાર્યક્રમ / ઇવેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, નર્મદા કલેક્ટર આર.એસ. નિનામા, રાજપીપલા ઉપરાંત આસપાસનાં જિલ્લાઓનાં કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ માટેની જુદી જુદી સમિતિઓનાં અમલીકરણ અધિકારીઓ, પ્રોજેક્ટ સાથે સંકળાયેલ અધિકારીઓ, ઇજનેરો, ટેકનીકલ અધિકારીઓ સહિતના જવાબદાર કર્મયોગીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનાં વિવિધ કાર્યક્રમોનાં સ્થળની પણ જાત મુલાકાત લઇ જરૂરી સૂચનો રજુ કર્યાં હતા.

(1:30 pm IST)