Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૩૧મીએ રાષ્ટ્રને સમર્પિત કરશે મોદીજી

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિના ઉદ્ઘાટન સમારોહ માટે યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન થશે સાકાર : ઉત્તેજના

અમદાવાદ, તા. ર૭ : કેવડીયાની પાસે સાધુ ટેકરી પર બનેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનીટી ઉપર રીમોટ કંટ્રોલ વડે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પુષ્પવર્ષા કરશે. હેલીપેડ ગ્રાઉન્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીનો ઉદ્ઘાટન સમારંભ અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે.

જીલ્લા પ્રશાસને નિર્ણય કર્યો છે કે ઉદ્ઘાટન સમારંભમાં ૮થી ૧૦ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરાશે. પ્રશાસન તરફથી બેઠક વ્યવસ્થા માટેનો મંડપ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને નર્મદા ડેમની વચ્ચેની જગ્યાએ હેલીપેડ પાસે કરાશે. ત્યાંથી ૧૮ર મીટર ઉંચી પ્રતિમા લોકોને ખેખાશે. ખબર અનુસાર ૬૬૬૦૦ ચોરસ ફુટનો વોટરપ્રુફ મંડપ બનાવવામાં આવશે. વધારે હવામાં પણ મંડપ સુરક્ષીત રહે તેના માટે એલ્યુમીનીયમનું ફ્રેમીંગ પણ કરાઇ રહ્યું છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટીનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરવાના છે. ઉદ્ઘાટન સમારંભ માટે જીલ્લા પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓને સગવડ આપવા માટે પણ પ્રશાસન તરફથી તૈયારીઓ થઇ રહી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે સહેલાઇ પ્રવાસીઓ પહોંચી શકે તેના માટે એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે. એસ્કેલેટરની મદદથી પ્રવાસીઓ બહુ ઓછા સમયમાં પ્રતિમા સુધી પહોંચી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનીટી એટલે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ જ નહીં, એનાથી પણ કયાંય વધાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું એવું સપનું જે તેમણે પાંચ વર્ષ પહેલા જોયું હતું. હવે ૩૧ ઓકટોબરે તે સપનું સાકાર થવા જઇ રહ્યું છે. વિશ્વમંચ પર લોખંડી પુરૂષ તરીકે પ્રખ્યાત એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૧ ઓકટોબરના રોજ કરશે.

નર્મદા જીલ્લાના નાનકડા ગામ કેવડીયામાં તૈયાર થઇ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનીટીનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યાં અત્યારે બધી બાજુ ફકત ભારે ધરખમ મશીનો અવાજ અને કામગીરી માટેના આદેશો સંભળાઇ રહ્યા છે. ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮ર મીટર એટલે કે પ૯૭ ફુટ ઉંચી પ્રતિમા દુનિયા જોઇ શકે તેના માટે હજારો કર્મચારીઓ અને અધિકારીઓ રાત દિવસ પરસેવો પાડી રહ્યા છે.

ઉદ્ઘાટનમાં પ દિવસ જ બાકી હોવાથી બધાના હૃદયના ધબકારા વધી ગયા છે. મગજ ફકત બાકી રહેલા કામ પૂરા કરવા તરફ જ દોડી રહ્યું છે. બધાના મગજમાં એક જ વાત છે કે કયાંક ચૂક રહી જશે તો વડાપ્રધાનને શું જવાબ આપશું ?

મૂર્તિની નજીક જ અનાવરણ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે બધા કામોનું નીરીક્ષણ કરી રહ્ય છે અને અવારનવાર જવાબદાર અધિકારીઓ પાસેથી ફીડબેક લે છે. ફોટા અને વીડીયો દ્વારા જગ્યાની જાણકારી મેળવતા રહે છે.

મૂર્તિની નજીક જ ભવ્ય મંડપ તૈયાર થઇ રહ્યો છે, જે સ્ટીલ અને લોખંડના વજનદાર એંગલો પર ઉભો થઇ રહ્યો છે. મંડપની છત વોટરપ્રુફ બનાવાઇ રહી છે. ગરમીથી બચવા માટેના ઉપાય પણ કરાઇ રહ્યા છે. ૧૦ હજારથી વધારે લોકો આવશે તેમ માનીને તૈયારીઓ થઇ રહી છે. (૮.૭)

કેવડીયા ઘાટી ફુલોથી મહેકી ઊઠશે

સરદાર પટેલની પ્રતિમાની આસપાસના આખા વિસ્તારને ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે. પ્રતિમાની નજીક ફુલોની ઘાટીઓ વિકસાવવામાં આવી છે, જે વાતાવરણને સુગંધથી ભરી દેશે. અનાવરણ પ્રસંગે હજારો લોકો આવવાની અપેક્ષા છે તેથી તૈયારીઓ પણ તેને અનુરૂપ થઇ રહી છે.(૧.૮)

૬૭૦૦૦ ચોરસ ફુટનો મંડપ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં લગભગ ૬૭૦૦૦ ચોરસ ફુટનો વોટરપ્રુફ મંડપ બનાવાઇ રહયો છે. પ્રવાસીઓને રહેવા માટે સરદાર સરોવર ડેમના પરિસરમાં ટેન્ટ સિટી બનાવાઇ રહયું છે, જે બધી સગવડતાઓથી સુસજ્જ છે. પ્રતિમાની નજીકમાં હેલીપેડ બનાવાયું છે, જયાં વડાપ્રધાન સહિત મોટા નેતાઓ હેલીકોપ્ટર માંથી ઉતરશે.(૧.૮)

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશિષ્ટતાઓ

* આ મૂર્તિ નર્મદા નદીના એક ટાપુ એવા સાધુ બેટ પર બની છે જે ડેમથી ૩.ર કિ.મી. દૂર છે.

*સરદાર સરોવર બંધથી નજીક બની રહેલી આ મૂર્તિ બંધથી દોઢગણી ઉંચી છે.

*પદ્મભૂષણ શિલ્પકાર એવા ૯૨ વર્ષના રામવી. સુતારની કલ્પનાનું પરિણામ છે આ મૂર્તિ, મૂર્તિની ડીઝાઇન પણ તેમણે જ બનાવી છે.

*પ્રતિમા બનાવવા માટે દેશના ખુણે ખુણેથી આવેલા લગભગ ૪૫૦૦ થી ૫૦૦૦ મજૂરો કામ કરી રહયા છે.

*ગુજરાત સરકારે ૭ ઓકટોબર ૨૦૧૦ના રોજ આ પરિયોજનાની જાહેરાત કરી હતી.

*સ્મારકના આધારતળની ઉંચાઇ ૫૮ મીટર અને મૂર્તિની ઉંચાઇ ૧૮૨ મીટર છે.

*આ પ્રતિમાં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઉંચી છે.

*સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટે આ કામ માટે દેશભરમાં ૩૬ ઓફિસો ખોલી હતી.

*અત્યારે દુનિયાની સોૈથી ઉંચી મૂર્તિ ચિનની સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુદ્ધ છે જેની ઉંચાઇ ૧૫૨ મીટર છે.

*મ્યાંમારમાં બુદ્ધની ૧૩૦ મીટર ઉંચી પ્રતિમા અને જાપાનમાં ઉસુકુમાં બુદ્ધની ૧૨૦ મીટર ઉંચી પ્રતિમા તેના પછીના ક્રમે આવે છે.(૧.૮)

(11:49 am IST)