Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કિ.મી. પર ફરતા વાહન ચાલકોએ : ભાડામાં ૩૦ ટકાનો વધારો કર્યો

દિવાળીના તહેવારમાં ટ્રાવેલ્સના ધંધાને મોટી અસર પડશે તેવી સંચાલકોને ભીતિ : ડીઝલ સહિત અન્ય ખર્ચ વધતાં પ્રવાસ ભાડાં ઊંચા ગયાનો સંચાલકોનો સૂર

વડોદરા તા. ર૭: કિલોમીટર પર ફિકસ ફરતા વાહન ચાલકોએ ભાડામાં ૩૦ ટકા ઉપરાંતનો ભાવ વધારો દિવાળી દરમિયાન કર્યો હોવાનું સુર આ વ્યવસાય સાથે સંકળાયેલાઓએ વ્યકત કર્યો છે.

કિલોમીટર પર ફિકસ ફરતા વાહન ચાલકો કે વાહન માલિકોએ દિવાળીના તહેવાર દરમિયાન કરેલા ભાવ વધારા માટે રોજ બરોજ વધતા ડિઝલના ભાવને કારણભૂત ગણાવે છે. જયારે હવે ડિઝલ અને પેટ્રોલના ભાવ વચ્ચે ફર્ક રહ્યો નથી. જોકે ટ્રાવેલ્સના વ્યવસાયમાં મોટા ભાગે ડિઝલના જ વાહનો વપરાતા હોવાનું જણાવતા આ વ્યવસાય સાથે સંકળાયેલા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, તવેરા સામાન્ય દિવસોમાં એક કિલોમીટરના રૂ. ૧૦ થી ૧૧ લેતા હોય છે. જયારે દિવાળીના તહેવારમાં તેનો ભાવ રૂ. ૧પ હાલ બજારમાં ચાલી રહ્યો છે. આમ જોતા આ વધારો ૩૬ ટકા જેટલો થવા જાય છે. જેમાં સાત મુસાફરો પ્રવાસ કરી શકે છે. જયારે ટેમ્પો ટ્રાવેર્લ્સમાં ૧૭ મુસાફરો મુસાફરી કરી શકે છે. તેનો ભાવ સામાન્ય દિવસોમાં એક કિલોમીટરના રૂ. ર૦ થી રર ચાલતો હોય છે. હવે દિવાળીમાં તેનો ભાવ રૂ. ૩૦ ચાલી રહ્યો છે. આ ભાવ વધારો પણ ૩૬ ટકા જેટલો થાય છે.

તવેરા, ઇનોવા, શીફટ-ડિઝાઇર અને અરટીંગાના ભાવ સામાન્ય દિવસોમાં રૂ. ૧૦ ચાલતો હોય છે. જયારે દિવાળીના તહેવારોમાં તેનો ભાવ રૂ. ૧ર ચાલે છે. જે ભાવ વધારો ર૦ ટકા જેટલો થાય છે. વાહન એરકન્ડીશન લો તો કિલોમીટર દીઠ રૂ. એકથી દોઢનો ભાવ વધી જાય છે. આમ ભાવ વધારો સરેરાશ ગણવામાં આવે તો ૩૦ ટકા જેટલો થાય છે.

જોકે આ દિવાળીમાં ટ્રાવેલ્સના ધંધાને માઠી અસર થશે તેના કારણો જણાવતા બ્રિજેશ પટેલે ઉમેર્યું હતું કે, ઘર દીઠ વાહનો થઇ ગયા છે. બજારમાંથી ડ્રાઇવરને લઇને લોકો જાય છે. જયારે ઘણા સેલ્ફ ડ્રાઇવીંગ પણ અપનાવે છે. રોડ સારા થઇ ગયા છે. જીપીએસ સીસ્ટમના લીધે જે સ્થળે જવું હોય તેનું માર્ગદર્શન સીધું મળી જાય છે તેના લીધે લોકો હવે ભાડાના વાહનો કરતા નથી.

દિવાળી વેકેશન નાનુ હોવાથી LTC વાળા નહીં મળે રાજય સરકાર દ્વારા નવરાત્રીનું વેકેશન આપી દીધું છે. આથી હવે દિવાળીનું વેકેશન ૧ર થી ૧પ દિવસ જેટલું મળશે. જેમાં નાની ટૂરજ શકય બને જયારે એલટીસીનો મોટો બ્લોક વપરાઇ જાય અને    લાભ પુરેપુરો ના મળે તે માટે આ દિવાળી વેકેશનમાં એલટીસીવાળા પણ નહીં આવતા ટ્રાવેલ્સના ધંધાને અસર થશે.

નાના પાયે ધંધો કરનારા ભાવ વધારાથી વધુ હેરાન એકાદ વાહન સાથે કેટલાક લોકો ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હોય છે. તેઓ માલિક અને ડ્રાઇવીંગ પણ કરતા હોય છે. પરંતુ રોજ બરોજ ડિઝલના ભાવ વધતા રહેતા હોવાથી બુકીંગ થયા પછી ભાવ વધી જાય તો શું? તેવી ભીતીના લીધે તેઓ બુકીંગ કરતા નથી કે પછી બુકીંગ કરાવવા આવનાર સાથે તેદિવસમાં ચાલતા ભાવ ફેરની શરત મુકતા હોય છે.

(11:27 am IST)