Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વિજયભાઈ રૂપાણીએ અચાનક મુખ્યમંત્રીપદેથી રાજીનામુ કેમ આપ્યું : એક વર્ષ બાદ કર્યો ખુલાસો

રૂપાણીએ કહ્યું-આગલા દિવસે રાત્રે જ મને કીધું અને બીજે દિવસે આપી જ દીધું:મેં તેમને (હાઇકમાન્ડને) કારણ ન પૂછ્યું, એટલે મને કારણ ન જણાવાયુ જો પૂછ્યું હોત તો મને ચોક્કસ કારણ જણાવાયું હોત

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021ના દિવસે ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. તેનાં એક વર્ષ બાદ તેમણે રાજીનામા વિશે વાત કરી છે.'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું, "આગલા દિવસે રાત્રે જ મને કીધું અને બીજે દિવસે આપી જ દીધું.

તેમણે આગળ કહ્યું, "મેં તેમને (હાઇકમાન્ડને) કારણ ન પૂછ્યું, એટલે મને કારણ ન જણાવવામાં આવ્યું. જો મેં પૂછ્યું હોત તો મને ચોક્કસ કારણ જણાવાયું હોત. હું શરૂઆતથી પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું અને હંમેશાં પાર્ટીએ જે કહ્યું છે, તે કર્યું છે. પાર્ટીએ મને મુખ્ય મંત્રી બનાવ્યો તો હું બન્યો. પાર્ટીએ મને બદલવાનું નક્કી કર્યું તો હું ખુશીથી હઠી પણ ગયો. એક સારા કાર્યકર તરીકે હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધ ગયો નથી. જેથી મને કહેવામાં આવ્યું તેના બીજા જ દિવસે હસતાં મોંએ રાજીનામું આપી દીધું. હું જરાય નિરાશ ન હતો

2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનના રાજકીય પડઘાના ભાગરૂપે એક વર્ષ બાદ ઑગસ્ટ 2016માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપી દીધું હતું.નીતિનભાઈ  પટેલ વિકલ્પ તરીકે લગભગ નક્કી થઈ જ ગયા હતા પણ ગુજરાતની ગાદી માટે વિજયભાઈ  રૂપાણીની પસંદગી થઈ હતી 2017ની ચૂંટણી પછી વિજયભાઈ  રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું.

2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં- બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે આંકડાંમાં, 99 પર આવીને અટકી અને ભાજપની સત્તા માંડમાંડ બચી.હતી નવા સીએમ જાહેર કરવાના બદલે ભાજપે તેમને જ બીજી વાર સીએમ બનાવ્યા. 2021ના મધ્ય સુધી મુખ્ય મંત્રી તરીકે રહ્યા અને બે મુદત સાથે પાંચ વર્ષ સરકારનાં પૂર્ણ થયાં ત્યારે તેની ઉજવણી પણ થઈ.જોકે, ઉજવણીનો થાક ઉતરે તે પહેલાં જ વિજયભાઈ  રૂપાણીને સૂચના આવી ગઈ કે 'રાજીનામું આપી દેશો.' પાંચ વર્ષ અને 35 દિવસ પછી 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો.

2022ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં વિજયભાઈ  રૂપાણીને રાતોરાત હઠાવી દેવાયા હતા. આ પાછળ ઘણાં કારણો ચર્ચામાં રહ્યાં - કોરોનાકાળમાં કથિત ગેરવહીવટ, કથિત રીતે તંત્ર પર કાબૂનો અભાવ, ધમણ વૅન્ટિલેટર માટે વધારે પડતો ઉત્સાહ અને વિવાદ, રાજકોટ નજીક હિરાસર ઍરપૉર્ટની આસપાસની અને અન્ય જમીનોમાં કથિત ગેરરીતિના વિવાદ, રાજકોટમાં પોલીસ અધિકારીઓ દ્વારા કથિત તોડકાંડ વગેરે.

રાજકોટ મહાપાલિકામાં અરવિંદ મણિયારના સમયથી સત્તાનો પાયો નખાયો હતો, તેમાં ભાજપના રૂપાણી જેવા યુવા નેતાઓને આગળ વધવાની તક મળી, રાજકોટ તેમનું કર્મસ્થાન રહ્યું છે, પણ તેમનો જન્મ તે વખતે બર્મા (હાલનું મ્યાનમાર) તરીકે ઓળખાતા દેશની રાજધાની રંગૂનમાં થયેલો.

રમણિકલાલ રૂપાણી અને માયાબહેનનો જૈન પરિવાર ત્યાં વેપાર અર્થે વસેલો, જ્યાં બીજી ઑગસ્ટ, 1956માં વિજયભાઈનો જન્મ થયેલો. 1960માં પરિવાર રાજકોટ પરત ફર્યો તે પછી ભણતર અને ઘડતર રાજકોટમાં થયું.

1971માં યુવાન તરીકે એબીવીપી, આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને જન સંઘ સાથે જોડાઈ ગયેલા વિજય રૂપાણી 1976માં કટોકટી વખતે મીસા (મૅન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ) હેઠળ ભાવનગર અને ભૂજની જેલમાં ગયેલા.

રાજકીય કારકિર્દીના પ્રારંભમાં જ તેમને આ રીતે લડવાની તક મળી ગયેલી. રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં જીએસ બનેલા. એલએલબી કર્યું, પણ વકીલાત કરવાના બદલે 1978થી 1981 સુધી આરએસએસના પ્રચારક તરીકે સક્રિય રહ્યા. સ્ટૉક બ્રૉકિંગનું કામ પણ કર્યું હતું અને રાજકોટમાં સ્ટૉક ઍક્સચેન્જ બન્યું હતું તેમાં ડિરેકટર પણ હતા.

80ના દાયકામાં સંઘમાંથી ઘણા લોકોને હવે જનસંઘમાંથી ભાજપ બનેલા પક્ષમાં મોકલવામાં આવી રહ્યા હતા. વિજયભાઈ  રૂપાણી રાજકોટ ભાજપ એકમમાં મહામંત્રી બન્યા. 1987માં રાજકોટ કૉર્પોરેશનની ચૂંટણી લડ્યા, 1988થી એક દાયકો સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન રહ્યા અને આગળ જતા 1996-97માં તેઓ મેયર પણ બન્યા હતા.

રાજ્ય કક્ષાએ ભાજપ સંગઠનમાં પણ તેમને સ્થાન મળવા લાગ્યું હતું. 1995માં કેશુભાઈની સરકાર બની તે પછી 1998માં તેઓ પ્રદેશ મહામંત્રી બન્યા. ચૂંટણીઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ બન્યા. 2006માં પર્યટન નિગમ અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચૅરમૅન બન્યા. 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા.

વજુભાઈ વાળાની વિદાય પછી રાજકોટ પશ્ચિમની પેટાચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બન્યા એ પછી આનંદીબહેન સરકારમાં કૅબિનેટપ્રધાન પણ બન્યા હતા. ફેબ્રુઆરી 2016માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ અને થોડા જ મહિના પછી તેમણે મુખ્ય મંત્રી બનવાની તક પણ મળી ગઈ.

 

 

(10:43 pm IST)