Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ક્રાઇમ બ્રાન્ચ પ્લેનમાં દિલ્હી જઇ, ટ્રેનમાં રહેલી દેશની કુખ્યાત ગેંગને ઝડપી લીધી

સુરતના ચોક બજારમાંથી થયેલા હજારો મોબાઇલ ફોનની વાતચીતોની ચકાસણી અને સુરતથી વાપી સુધીના સીસીટીવી ફુટેજ મેળવી એસબીઆઇ કેશવેનના લુંટના આરોપીઓને ઝડપવાની દિલધડક કથા : તામીલનાડુની ત્રીચી ગેંગને ઝડપવા માટે સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફિક) ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં સીબીઆઇને ટક્કર મારે તેવી કામગીરીનું કૌવત દેખાડયું

રાજકોટ, તા., ર૭: સુરતના જાણીતા ચોક બજારમાં આવેલી એસબીઆઇ બેંકની બહાર રહેલી કેશવેનના સિકયુરીટી ગાર્ડની નજર ચુકવી ૧૯.પર લાખ રૂપીયાની સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવનારી તામીલનાડુ રાજયની દેશભરમાં કુવિખ્યાત ત્રીચી ગેંગને તામીલનાડુ-દિલ્હી-હરિયાણા વિ. સ્થળેથી ઝડપી લઇ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ બ્લાઇન્ડ કેસમાં સીબીઆઇને ટક્કર મારે તેવી અભુતપુર્વ કામગીરી બજાવી છે તેની સમગ્ર કથા ખુબ જ રસપ્રદ અને જાણવા જેવી છે.

સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) કે જેઓએ ભુતકાળમાં અમદાવાદ અને વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વના પદે ફરજ બજાવી બોંબ બ્લાસ્ટના આરોપીઓને પકડયા હતા તેવા આ અધિકારીના માર્ગદર્શનમાં ડીસીપી રાહુલ પટેલ અને એસીપી ક્રાઇમ બ્રાન્ચ આર.આર.સરવૈયા ટીમે સૌ પ્રથમ તો ચોક બજાર આસપાસના તમામ વિસ્તારોના સીસીટીવી કેમેરાઓ તપાસવા વિવિધ ટીમોને કામે લગાડી. પોલીસને અલગ-અલગ ફુટેજમાંથી અને ખાસ કરીને લોકરમાંથી બહાર નિકળતા આરોપીના ફોટાઓ મળી આવ્યા. ઉકત ફોટામાં અમુક શખ્સો રેલ્વે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા એ સમયે દક્ષિણ તરફની કઇ ટ્રેન જાય છે તેની રેલ્વેમાં તપાસ કરી એ ટ્રેનની તમામ ડીટેઇલ્સ કયા સ્ટેશને કયારે પહોંચે છે તેની વિગતો મેળવી. આ દરમિયાન પોલીસે ચોક બજારમાંથી થયેલા હજારો મોબાઇલ ફોનની વિગતો ફંફોળી અને તેમાંથી શંકાસ્પદ નંબરો અલગ તારવી તપાસ કરતા આ કુવિખ્યાત ગેંગના સભ્યો કામરેજમાં એકઠા થયા હતા તેવી માહીતી મળતા કામરેજ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે વાપી સુધીના લોકેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વાપી પહોંચી અને ત્યાંથી પણ ફુટેજ મેળવી તમામ આરોપીઓને ઓળખી લીધા.

આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે મધરાત્રે બેઠક કરી અને દિલ્હી જઇ આરોપીઓને ઝડપી લેવા માટેનો પ્લાન બનાવ્યો. આરોપીઓ પહેલા દિલ્હી પહોંચવું જરૂરી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્લેનમાં દિલ્હી પહોંચી સ્વભાવીક રીતે આરોપીઓ ટ્રેનમાં હોવાથી ટ્રેન દિલ્હી પહોંચતા વાર લાગે આ દરમિયાન એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ પોતાના રેલ્વે એસપી તરીકેના કાર્યકાળના સંબંધોનો ઉપયોગ કરી આરપીએફના ઉચ્ચ અધિકારીઓની મદદ લીધી.

આરપીએફના અધિકારીઓએ દિલ્હી આવે તે પહેલાના એક સ્ટેશને આરોપીઓને ઝડપી લેવા માટે સુચન કર્યુ અને આમ ક્રાઇમ બ્રાન્ચના બે ડઝનથી વધુ સ્ટાફે આરપીએફને સાથે રાખી ત્રીચી ગેંગના સુંદરરાજ, યુવરાજ રાજેન્દ્ર સેરવઇ, લોગનાથન, નાગરાજ સેરવઇ, નિથીયાનંદન, દિનુ મુરલી અને મોતી (તમામ તીરૂચીરાપલ્લી તામીલનાડુ)ને ૩ લાખ ૭૦ હજારની રોકડ સાથે આરોપીઓને ઝડપી સુરત લાવવામાં આવ્યા છે.

લુંટ કરતા પહેલા તામીલનાડુની ત્રીચી ગેંગ શીરડીના સાંઇબાબાના  દર્શન કરે છે, દરેક લુંટમાં ગેંગનો બોસ  નવા ટેલીફોન આપે છે : ગેંગનો ટાર્ગેટ એક કરોડ રૂપીયાનો હોય છેઃ એચ.આર.મુલીયાણા

રાજકોટ, તા., ર૭: તામીલનાડુની ત્રીચી ગેંગ દેશના અલગ-અલગ રાજયોમાં લુંટો અને ચોરીઓ કરવા નિકળે છે. સૌ પ્રથમ લુંટ કરતા અગાઉ ઘરમાં એક માસનું અનાજ અને બીજી જરૂરી ચીજો દરેક સભ્યના ઘરમાં પહોંચી જાય છે. લુંટમાં જતા અગાઉ શીરડી સાંઇબાબાના દર્શન કરે છે. દરેક લુંટમાં ગેંગનો બોસ નવા ટેલીફોન આપે અને લુંટ બાદ ટેલીફોનો તોડી નાખવામાં આવે છે.

આ ગેંગના સભ્યો જે શહેરમાં ચોરી કરવાની હોય ત્યાં રોકાતા નથી પરંતુ શહેરથી દુર ૪૦-પ૦ કી.મી. દુર આવેલા શહેરમાં રોકાઇ છે. આ ગેંગનો ટાર્ગેટ ૧ કરોડની ચોરી કરવાનો હોય છે. જે શહેરમાં ચોરી કરવા જાય ત્યાં તે શહેરની બેંક અને આંગડીયા પેઢીની દિવસો સુધી રેકી કરી નિયમીત રીતે મોટી રકમ કોણ લઇને જાય છે? તે નક્કી કર્યા બાદ પ્લાન અમલમાં મુકે છે તેમ અકિલા સાથે ત્રીચી ગેંગની રસપ્રદ કથા વર્ણવતા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર ક્રાઇમ અને આ ગેંગને પકડવામાં મહત્વની ભુમીકા ભજવનાર એચ.આર.મુલીયાણાએ જણાવ્યું હતું. 

(12:33 pm IST)